મુંદરાના સી.આઈ.એસ.એફ. યુનિટ દ્વારા અહિંસાધામમાં વૃક્ષારોપણ

મુંદરાના સી.આઈ.એસ.એફ. યુનિટ દ્વારા અહિંસાધામમાં વૃક્ષારોપણ
મુંદરા, તા. 28 : અહીં સી.આઈ.એસ.એફ. યુનિટ આઈ.ઓ.સી.એલ. મુંદરા દ્વારા `મેગા વૃક્ષારોપણ' યોજાયું હતું. મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, અહિંસાધામ, નંદી સરોવર ખાતે 150 જેટલા (લીંબુ-25, કાળા જાંબુ-50, કોઠું-25, જામફળ-25, દાડમ-25) જુદા જુદા રોપાઓનું સી.આઈ.એસ.એફ. યુનિટ આઈ.ઓ.સી.એલ. મુંદરા દ્વારા વાવેતર કરવામાં આવ્યું હતું. ભારતની સૌથી મોટી ગૌશાળા અહિંસાધામમાં 600 એકરમાં ફેલાયેલો આ પ્રોજેક્ટ ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે  કરાયો છે, જેમાંથી 250 એકર જમીન પશુ-પક્ષીઓના રહેઠાણ માટે સમર્પિત છે. 2,50,000 વૃક્ષોનું રોપણ આ વર્ષ દરમ્યાન પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. સી.આઈ.એસ.એફ. યુનિટ આઈ.ઓ.સી.એલ. મુંદરા દ્વારા વર્ષ 2019થી વૃક્ષારોપણ કરવામાં આવે છે અને અત્યાર સુધી 1500 ફળના રોપાઓનું વાવેતર થયું છે. `મેગા વૃક્ષારોપણ'નો કાર્યક્રમ દલીપસિંગ, ઈન્સ્પેક્ટર એન.કે. મંદલેકર અને ઈન્સ્પેક્ટર પ્રદીપ યેવાલેના નેતૃત્વ હેઠળ યોજાયો હતો. 30 સી.આઈ.એસ.એફ.ના કર્મચારીઓ, 25 જેટલા પરિવારના સદસ્યો અને 10 જેટલા નાગરિકોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer