રવિવારે કચ્છમાં કોવેક્સિનના બીજા ડોઝની રાજ્યવ્યાપી મહાઝુંબેશ

ભુજ, તા. 28 : ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત આગામી રવિવારે 1લી ઓગસ્ટે કચ્છમાં કોવેક્સિનના બીજા ડોઝની મહાઝુંબેશ હાથ?ધરાશે જેમાં વિવિધ સેન્ટર પરથી 17 હજાર લોકોને બીજો ડોઝ અપાશે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનક માઢકે આપેલી વિગતો મુજબ રાજ્ય સરકારની પાંચ વર્ષની ઉજવણી નિમિત્તે હાથ ધરાયેલી રાજ્યવ્યાપી રસીકરણ મહાઝુંબેશ અંતર્ગત કચ્છમાં પણ રવિવારે જુદા જુદા પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કોવેક્સિનનો બીજો ડોઝ અપાશે. આ રસીનો પ્રથમ ડોઝ લઇ લીધેલા નાગરિકોને બીજો ડોઝ લેવા અનુરોધ કરાયો છે. ઉપરાંત હવેથી દર રવિવારે રસીના જથ્થા મુજબ બીજા ડોઝની મહાઝુંબેશ હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં મતદારયાદીમાં નોંધાયેલા 18 વર્ષથી ઉપરના 15,69,316 નાગરિકમાંથી 6,57,872 લોકોને આજે તા. 28મી જુલાઇ સુધીમાં પ્રથમ ડોઝ અપાઇ?ચૂક્યો છે. એટલે કે 43 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. - કચ્છમાં આજે કોવિશિલ્ડના 13 હજાર ડોઝ અપાશે : ભુજ, તા. 28 : જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આવતીકાલે તા. 29ના જિલ્લાના વિવિધ પ્રાથમિક, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 13 હજાર કોવિશિલ્ડના ડોઝ અપાશે. જિલ્લા અધિક આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે આપેલી વિગતો મુજબ સૌથી વધુ ભુજ અને ગાંધીધામમાં 2500-2500, અંજાર-1800, માંડવી-1200, મુંદરા અને રાપરમાં 1000-1000, ભચાઉ-900, નખત્રાણા-800, અબડાસા-700 અને લખપતમાં 600 ડોઝ કોવિશિલ્ડના અપાશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer