ઝરમરિયો વરસાદ મગ, જુવાર ગુવાર માટે ફાયદારૂપ નીવડશે

કોટડા (ચકાર) (તા. ભુજ), તા. 28 : છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસતા ફૂંવારા જેવા ઝરમરિયા વરસાદથી મગ, જુવાર, ગુવારને ફાયદો થવાની આશા ખેડૂતવર્ગ વ્યક્ત કરી રહ્યો છે. રામમોલ લેતા લફરા, ભલોટ, બંદરા સહિતના ગામોના ખેડૂતોએ જેમણે સૂકી ખેતીનું વાવેતર કર્યું છે તેમના મગ, જુવાર જેવા પાકો માટે ભારે આર્શીવાદરૂપ હોવાનું રામગઢના રાજુભા સ્વરાજજી જાડેજા, બંદરા નાનાના સરપંચ મહેન્દ્રસિંહ જાડેજા, મોટા બંદરાના સરપંચ પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તેમના જણાવ્યા પ્રમાણે વનવગડામાં જાનવરો માટે ઘાસચારો અને વન્યઝાડી હરખે છે, પણ નદી-તળાવ, ડેમ, ચેકડેમોમાં પાણી નથી. ધોધમાર વરસાદની વાટ જોવાઈ રહી છે. તો ભલોટ, મખિયાણ, ફાચરિયા, ઝૂમખા પંથકમાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઝરમરિયો મીં રાત-દિવસ ઝાપટાંરૂપે વરસે છે, જે ભૂખી ધરાને તેમજ રામમોલ માટે ભારે આર્શીવાદ રૂપ છે તેવું જીતુભા વનાજી જાડેજા, વડઝરના માજી સરપંચ શિવુભા સોઢા વગેરે જણાવે છે. વરસાદી વાદળોથી સૂર્યદેવ અદ્રશ્ય છે. વરસાદી માહોલ મેઘમહેરની આશાઓ જગાવે છે. સતત ફૂંવારરૂપી ઝરમરિયો વરસાદ લોકોને ભીંજવે છે. વાતાવરણમાં ઠંડક અને ટાઢક આવતાં ગરમી-તાપથી રાહત મળી છે. ઉપરવાળો ધોધમારથી નવાજી દે, નેસોમાં ભરપૂર નીર આવે તેવી કાગડોળે રાહ જોવાય છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer