અપૂરતા વરસાદ-ધાબડિયા માહોલે ખેડૂતોની ચિંતા વધારી

ભુજ, તા. 28 : સતત બે વર્ષ વિક્રમી વરસાદ વરસ્યા બાદ ચાલુ સાલે શુકન સાચવનારા મેઘરાજાએ પછીથી કચ્છને હાથતાળી આપવાનું શરૂ કરતાં ધરતીપુત્રોના મનમાં ચિંતા-ઉચાટની સ્થિતિ સર્જી દીધી છે ત્યારે હવે જો પખવાડિયામાં સાર્વત્રિક વરસાદ નહીં વરસે તો ખેતીવાડી ક્ષેત્રને મોટું નુકસાન ખમવું પડશે. તો વાદળિયો માહોલ પણ આ ને આ જ રીતે યથાવત રહેશે તો જે પાકનું વાવેતર થઇ?ગયું છે તેમાં પણ જીવાતનો ઉપદ્રવ વધવાની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ શિવજી બરાડિયાએ આ બાબતે કહ્યું કે, છેલ્લા એક અઠવાડિયાથી વાદળિયો માહોલ છવાયેલો છે, તડકો ઊગતો જ નથી આ કારણે મગફળી, કપાસ, એરંડા, શાકભાજી સહિતના પાકોમાં વિવિધ પ્રકારની જીવાતનો ઉપદ્રવ વધવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને મગફળીના પાકને તો પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ ન મળવાના લીધે ફ્લાવરિંગની પ્રક્રિયાને વિપરીત અસર પહોંચી શકે છે. હાલ તો ખેડૂતોએ જે પાક વાવ્યો છે તેમાં આ વાદળિયા હવામાનના લીધે જીવાતનો ઉપદ્રવ ન થાય તે માટે દવા છંટકાવ કરી રહ્યા છે પણ આવું વાતાવરણ હજુ લાંબું ચાલશે તો દવા છંટકાવની કોઇ અસર થશે નહીં. જે જમીનમાં પિયતની સુવિધા છે તેને તો હાલતુરંત વાંધો આવે એમ નથી પણ બિનપિયત જમીનમાં કરાયેલા વાવેતરના રામ જ રમી જશે કેમકે ડેમોમાં પણ પાણીનો નામ માત્ર જથ્થો જ ઉપલબ્ધ છે. ખેડૂત અગ્રણીઓના જણાવ્યા અનુસાર પાછોતરો વરસાદ સારો પડી જાય તો પણ એરંડા-શાકભાજીના પાકને સારો ફાયદો થાય તેમ છે. બાકી હજી સુધી પૂરતા પ્રમાણમાં વરસાદ ન વરસતાં ખેતપેદાશોનું ઉત્પાદન 60થી 65 ટકા થવાની શક્યતા છે પણ હજુય સાર્વત્રિક વરસાદ નહીં વરસે તો ઉત્પાદનમાં હજુ મોટું ગાબડું પડી શકે તેમ છે. કચ્છની જમીનમાં હાલ ક્ષારનું પ્રમાણ વધારે છે ત્યારે જો વરસાદી પાલર પાણી ભરપૂર પ્રમાણમાં વરસે તો જમીનની ખારાશ ઘટાડવામાં ઘણા અંશે લાભ મળી શકે તેમ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer