11a ગાંધીધામ સંકુલમાં વીજ ધાંધિયા વધી જતાં નાગરિકોમાં નારાજી

ગાંધીધામ, તા. 28 : આ શહેર અને સંકુલમાં છેલ્લા લાંબા સમયથી અનેક વિસ્તારોમાં વીજળીની આવન-જાવન ચાલુ જ રહેતી હોય છે. વીજતંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી કરવાના દાવા વચ્ચે વીજળીની આવી સમસ્યાથી લોકો હવે વાજ આવી ગયા છે. શહેરના પોશ ગણાતા ગુરુકુળ વિસ્તારમાં છેલ્લા પાંચ-છ દિવસથી દરરોજ 5થી 7 વખત વીજળી આવન-જાવન કરે છે. આ અંગે લોકો દ્વારા કચેરીમાં ફરિયાદ કરાય છે ત્યારે ઉપરથી લાઇટ બંધ?હોવાની કેસેટ વગાડાય છે. આ શહેરમાં દર ચોથા કે પાંચમા દિવસે પીવાનું પાણી આપવામાં આવે છે તે પણ વીજ મોટર સિવાય આવતું નથી, આવામાં વીજળીની આવન-જાવનથી લોકો પીવાનું પાણી પણ ભરી શકતા નથી અને નાછૂટકે ખાનગી રાહે પીવાનું પાણી મંગાવવું પડે છે. શહેરની મુખ્ય બજાર, ભારતનગર, અપનાનગર, 400 ક્વાર્ટર વગેરે વિસ્તારો તથા આદિપુર ફીડરમાં આવતા મેઘમાયા સોસાયટી, દેવનારાયણ નગર, સિદ્ધેશ્વર સોસાયટી વગેરે વિસ્તારોમાં પણ વીજળીની આવન-જાવન ચાલુ રહેતી હોય છે. કેટલાક વિસ્તારોમાં તો વરસોથી રાત્રે લો વોલ્ટેજ આવતા હોવા છતાંય તંત્ર?કંઇ જ કરતું ન હોવાની વ્યાપક ફરિયાદ છે.તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરી આટોપી લેવાઇ હોવાના દાવા કરવામાં આવે છે ત્યારે દરરોજ વીજળી શા માટે રીસાઇ જાય છે તેવા પ્રશ્નો બહાર આવ્યા હતા. વીજળીના અભાવના કારણે બાળકો અને વૃદ્ધો બફારામાં શેકાઇ જતા હોય છે ત્યારે આ અંગે તંત્ર ગંભીર બની સમસ્યાનો ઉકેલ લાવે તેવી માંગ લોકોમાં ઉઠી હતી. વીજ તંત્રે લાઇન મરંમત સહિતના કામો કોન્ટ્રેક્ટ ઉપર આપેલા હોવાથી ઇજનેરો સાઇટ?ઉપર ખાસ જતા ન હોવાનો આક્ષેપ પણ થઇ રહ્યો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer