જનરલ હોસ્પિટલમાં માધવ રુગ્ણ સહાયતા કેન્દ્ર હવે કાયમી કાર્યરત રહેશે

ભુજ, તા. 28 : આરએસએસ પ્રેરિત સેવા સાધના કચ્છ તથા રામ રોટી અને છાસ કેન્દ્રના સંયુકત ઉપક્રમે અદાણી હોસ્પિટલ (જી.કે. જનરલ) મધ્યે માધવ રુગ્ણ સહાયતા કેન્દ્રનો કાયમી પ્રારંભ કરાયો છે. કોરોના કાળના છેલ્લા 3 મહિનાથી બંને સંસ્થાઓ દ્વારા સંયુકત રીતે અદાણી હોસ્પિટલ મધ્યે દાખલ દર્દી તેમજ તેના સગાંઓને દરેક પ્રકારની મદદ મળી રહે તે માટે સહાયતા કેન્દ્ર ચાલી રહ્યું હતું. હોસ્પિટલની આરોગ્ય સેવાઓ સામાન્ય જનને નિયમિત મળતી રહે તે માટે સહાયતા કેન્દ્રની કાયમી અવશ્યકતા છે. જેથી બંને સંસ્થાઓના મોવડીઓએ અદાણી હોસ્પિટલના મેનેજમેન્ટને કાયમી દર્દી સહાયતા કેન્દ્ર માટે પ્રસ્તાવ મૂક્યો જેને હોસ્પિટલ મેનેજમેન્ટે સહર્ષ વધાવી લીધો હતો. સ્વામી પ્રદીપ્તાનંદજીએ એમના વકતવ્યમાં કહ્યું કે, અન્ય કેટલીક સંસ્થાઓ કોઇને કોઇ એજન્ડા સાથે કે ચોક્કસ કોઇ ઉદ્દેશ્ય સાથે સેવા કાર્યો કરતી હોય છે પણ સંઘના સ્વયંસેવકો જ્યાં સમાજને વાસ્તવમાં જરૂર હોય ત્યાં નિષ્કામ ભાવથી સેવા કરતા હોય છે. માનવ માત્રનું હિત એ જ એમનો ઉદ્દેશ્ય હોય છે. તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રની રક્ષા કરવા  સરહદ ઉપર જવાનો  અડીખમ છે એ જ રીતે દેશની અંદર કોઇ સમસ્યા આવે ત્યારે સંઘના સ્વયંસેવકો કોઇપણ પ્રકારના ભેદભાવ વગર સમાજની પડખે ઊભા રહે છે. સેવા સાધનાના ટ્રસ્ટી સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત સેવા પ્રમુખ નારણભાઇ વેલાણીએ સહાયતા કેન્દ્રના કાર્ય વિશે માહિતી આપતાં જણાવ્યું કે, દરિદ્રનારાયણની સેવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થતા કેન્દ્ર દ્વારા દર્દીઓ અને  તેમના સગાંઓને રામ રોટી અને છાશ કેન્દ્રના માધ્યમથી બંને સમય નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા સાથે જરૂરિયાતમંદો માટે દરેક પ્રકારના  માર્ગદર્શન, બ્લડની વ્યવસ્થા, દવાઓ, એમ્બ્યુલન્સ, મેડીકલ રિપોર્ટ વગેરે રાહતદરે મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન નિ:શુલ્ક અપાશે.રામ રોટી અને છાસ કેન્દ્રના વિનોદભાઇ ઠક્કરે જણાવ્યું કે, ડીસ્પોઝીબલનો ઉપયોગ ટાળી પર્યાવરણનું રક્ષણ થાય તે હેતુ ભોજન વ્યવસ્થા માટે સંસ્થાના પરેશભાઇ અનમ દ્વારા સ્ટીલના વાસણો કેન્દ્રને દાનમાં આપવામાં આવ્યા છે. અદાણી હોસ્પિટલના ડો. ભાદરકાએ જણાવ્યું કે, કોરોના કાળના અતિ વિકટ સમય દરમિયાન 3 મહિનાથી ચાલતા સેવાકાર્યમાં સ્વયંસેવકો દ્વારા કરાયેલા સેવાકાર્યો ખરેખર કાબિલેદાદ છે. સંઘના વિભાગ સંઘચાલક નવીનભાઇ?વ્યાસે જણાવ્યું કે, સેવાકાર્ય એ સંઘની સ્થાપનાથી જ રૂઢિમાં વણાયેલું છે. સેવા સાધનાના ટ્રસ્ટી મનોજભાઇ સોલંકી, હિંમતસિંહ વસણ, રવજીભાઇ ખેતાણી, રામ રોટી અને છાસ કેન્દ્રના લીલાધરભાઇ ઠક્કર, અનુપભાઇ કોટક, મનોજભાઇ મહેતા, અદાણી મેડિકલ કોલેજના ડીન ડો. ઘોષ તથા ડો. ભાદરકા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન હેતભાઇ?જોશીએ કર્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer