ઘડુલી-સાંતલપુર ધોરીમાર્ગની સમાંતર નર્મદાના પાણીની લાઇન નાખવાથી સમસ્યાનો હલ થાય

ભુજ, તા. 28 : કચ્છની કાયાપલટ માટે આર્થિક અને વ્યૂહાત્મક રીતે બહુ જ અગત્યના ગણી શકાય એવા ઘડુલી-સાંતલપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર છ માસ અગાઉ ગુલાબી ધોમડા પક્ષીના ઇંડા મુદ્દે જે-તે વખતે પક્ષીવિદો્ અને પર્યાવરણવાદીઓની રજૂઆતના પગલે ધોરીમાર્ગનું કામ બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જે-તે વખતના વિવાદ બાદ કોંગ્રેસના એક પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી. પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ ઠક્કર, કોંગ્રેસના પ્રદેશ અગ્રણી આદમભાઇ ચાકી, જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નવલસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ડો. રમેશ ગરવા  અને જિલ્લાના કોંગ્રેસના પ્રવકતા ઘનશ્યામસિંહ ભાટી સહિતના  પ્રતિનિધિ મંડળે જે-તે વખતે બન્ની પચ્છમ વિસ્તારના વરિષ્ઠ આગેવાનો હાજી અલાના અને જુમ્માભાઇ સમા સાથે ગુલાબી ધોમડા પક્ષીના ઇંડાવાળી રણ પ્રદેશની જગ્યાએ રૂબરૂ મુલાકાત લઇ જે-તે વખતે જંગલખાતાના ઉચ્ચ અધિકારીઓ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજનાના ઉચ્ચ અધિકારીઓ સાથે આધાર-પુરાવા સાથે એ ઘટનાનો વિસ્તૃત અહેવાલ રજૂ કરી ગુલાબી ધોમડા પક્ષીના ઇંડાના મામલે બંધ થયેલા ઘડુલી-સાંતલપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગનું કામ તાકીદે શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળની રજૂઆતને પગલે ઉચ્ચ અધિકારીઓએ જે-તે ઘટનાની ગંભીરતા અને કામ બંધ રાખવાની બાબતને ધ્યાને લઇ જે-તે વખતે જ બંધ થયેલું કામ તાકીદે શરૂ કરવા કામના ઠેકેદારોને સૂચના આપવામાં આવી હતી. બંધ થયેલું કામ તાત્કાલિક શરૂ થયું હતું અને હાલના તબક્કે ઘડુલી-સાંતલપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં કાઢવાંઢથી ધોળાવીરા રણમાંથી પસાર થતા ધોરીમાર્ગના માટીકામ સહિતના કામમાં ખૂબ જ ઝડપ આવી છે તેવું એક યાદીમાં જણાવાયું હતું. ઘડુલી-સાંતલપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામમાં આવેલી ઝડપના પગલે પૂર્વ ધારાસભ્ય શ્રી ઠક્કરે રાજ્યસરકારમાં તેમની વર્ષો જૂની માગણી જેમાં ઘડુલી-સાંતલપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગની સમાંતર કચ્છ જિલ્લાના પછાત ગણી શકાય એવા બન્ની પચ્છમ અને લખપત તાલુકાના ગામડાંઓમાં પીવાના  પાણીની સમસ્યાના ઉકેલ માટે નર્મદાના પીવાના પાણીની લાઇન તાત્કાલિક નાખીને આ વિસ્તારની પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સરકારમાં વધુ એક વખત રજૂઆત પણ કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer