ભુજના વોર્ડ નં. 10માં વિવિધ સમસ્યાઓ ઉકેલવા માંગ

ભુજ, તા. 28 : અહીંના વોર્ડ નં. 10, જૂના કચ્છમિત્રવાળા વિસ્તારની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા ભુજ સુધરાઈના મુખ્ય અધિકારીને રજૂઆત કરાઈ છે. જેમાં ઈમરાન રાઠોડે જણાવ્યું હતું કે, વિસ્તારમાં ગટરનું પાણી આવે છે. ચાર દિવસે પાણી આવતું હોય અને તેમાં પણ ગટરમિશ્રિત હોવાથી નારાજગી ફેલાઈ છે. મેન્ટલ હોસ્પિટલ નજીકના વિસ્તારમાં અવારનવાર ગટર ઊભરાય છે, જેને કારણે સંપૂર્ણ વિસ્તારમાં અવરજવર કરવામાં મુશ્કેલી થતી હોય છે. આ વિસ્તારમાં મંદિર, મસ્જિદો અને અન્ય ધાર્મિક સ્થળો પણ આવેલા છે, જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જૂના કચ્છમિત્રવાળા વિસ્તારથી ચાકી ફળિયાવાળા વિસ્તારમાં સફાઈ કામદારો નિયમિત સફાઈ કરતા નથી. ઉપરાંત જ્યાં પોસ્ટ ઓફિસ અને ત્યાંથી થોડાક અંતરે બાલમંદિર આવેલું છે. આ વિસ્તારમાં જો 6થી 7 પાટલી બનાવાય અને નીચે કોંક્રિટ રસ્તો બનાવાય તો રોગચાળો ફેલાતો અટકાવી શકાય અને સફાઈ પણ જળવાઈ રહે. આ ઉપરાંત ભુજિયા ડુંગર પર કચ્છ અને રાજ્યભરથી પ્રવાસીઓ આવતા હોય છે. ભુજિયા ડુંગર પર સફાઈ કરવામાં આવતી નથી. ઉપરોક્ત તમામ બાબતે અગાઉ પણ મૌખિક અને લેખિત રજૂઆતો કરાઈ છે, પરંતુ કાયમી ઉકેલ આવતો ન હોવાનું અંકિતા નાકર તેમજ ઈમરાન રાઠોડની યાદીમાં જણાવાયું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer