અબડાસાના નાની મોટી બેર, ગોગીરાણા ધ્રાગાવાંઢમાં ગૌચર પર દબાણની રાવ

મોટી બેર (તા. અબડાસા) તા. 28 : અબડાસા તાલુકાના નાની બેર, મોટી બેર, નાના મોટા ગોગીરાણા, ધ્રાગાવાંઢ, ધરપઈવાંઢ, ભુટાઉ, મેડી, ખીરસરામાં ગૌચર જમીન પર થયેલા દબાણો દૂર કરીને દબાણકારો સામે નિયમસર પગલાં લેવા રજૂઆત કરાઈ છે. અલગ-અલગ પત્રોમાં મુબારક ઈશાક જત તથા મુબારક ઉમર જતે રજૂઆત કરી હતી કે આ ગામોના માલધારી અને શ્રમિકો ખેત મજૂરી પર ગુજારો કરે છે તેમજ લેન્ડ કચેરી ભરાઈ ન હોવાથી ખેતમજૂરોને માગણી મુજબ જમીનો મળી નથી ત્યારે કેટલાક માથાભારે લોકોની ટોળકી જમીન પર ગેરકાયદે દબાણ કરી હથિયારો સાથે ધમકાવે છે. અમુક જગ્યાએ તો ચરિયાણ વિસ્તાર આસપાસ કાંટાળી વાડ બાંધીને અવરોધ સર્જેયો છે. આ તત્વો સામે તત્કાલ પગલાં લઈને ચરિયાણની જમીન ખુલ્લી કરાવવા માંગ મૂકી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer