ખેતીવાડીમાં દિવસે વીજળી આપવાના પ્રકલ્પનો પ્રારંભ મુખ્યમંત્રી કચ્છમાંથી કરાવશે

ખેતીવાડીમાં દિવસે વીજળી આપવાના પ્રકલ્પનો પ્રારંભ મુખ્યમંત્રી કચ્છમાંથી કરાવશે
ભુજ, તા. 27 : સમગ્ર ગુજરાતના ખેડૂતોને ખેતીવાડી વિસ્તારમાં  દિવસે વીજળી પુરવઠો આપવાના નિર્ણય બાદ આ યોજનાનો  આરંભ કચ્છમાંથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સતાપર ખાતેથી કરવા પાંચમી ઓગસ્ટે આવી રહ્યા છે. મુખ્યમંત્રીના કચ્છના સંભવિત કાર્યક્રમની અટકળો વચ્ચે આજે નક્કી થયું છે એ પ્રમાણે  તા. 5/8ના કચ્છ આવશે અને વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે. રાજ્યમંત્રી મંડળમાં સ્થાન ધરાવતા વાસણભાઇ આહીરનો આ અંગે સંપર્ક સાધ્યો તો તેમણે સમર્થન આપ્યું ને કહ્યું કે, પાંચમીએ કાર્યક્રમ નક્કી થયો છે, જેમાં  પીજીવીસીએલ દ્વારા ખેતીવાડી વિસ્તારમાં  જે વીજ પુરવઠો વિતરણ કરવામાં આવે છે તે હાલમાં વરસાદ ખેંચાયાની સ્થિતિમાં દિવસે અને 10 કલાક  આપવાના પ્રકલ્પનો પ્રારંભ સતાપર ગોવર્ધન પર્વત ખાતે યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ કરાવશે. તે ઉપરાંત ગોવર્ધન પર્વત સંકુલમાં રૂા. 25 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આહીર સમાજના કન્યા છાત્રાલયનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થશે. કાર્યક્રમમાં કચ્છના કિસાનોને  કૃષિના સાધન-સહાયનું વિતરણ પણ થવાનું છે. જો કે, કાર્યક્રમનો  સમય હજુ નક્કી થયો નથી. કારણ કે, મુખ્યમંત્રીનો આ દિવસે દ્વારકા ખાતે  પણ પ્રવાસ હોવાથી સમયની સત્તાવાર જાહેરાત હવે પછી થશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer