ધોળાવીરા સહિત કચ્છનો વિકાસ થશે, દરજ્જો મોડો મળ્યાનો ખેદ

ધોળાવીરા સહિત કચ્છનો વિકાસ થશે, દરજ્જો મોડો મળ્યાનો ખેદ
નરેશ અંતાણી દ્વારા-   ભુજ, તા. 27 : ધોળાવીરાને યુનેસ્કોએ આજે સત્તાવાર રીતે વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરતાં તેનો રાજીપો વ્યક્ત કરતાં ધોળાવીરાના ઉત્ખનનમાં જેમનું પ્રમુખ યોગદાન છે એવા ભારત સરકારના પુરાતત્ત્વ વિભાગના પૂર્વ નિયામક પદ્મશ્રી ડો. આર.એસ. બિસ્તે તેનો યશ તેમની સાથે ઉત્ખનનમાં જોડાયેલા તમામ અધિકારી, કર્મચારીઓ અને શ્રમિકોને આપ્યો છે. `કચ્છમિત્ર' સાથેની વાતચીતમાં ડો. બિસ્ત કહે છે કે, આ જાહેરાત ઘણી મોડી છે. આ કાર્ય બહુ વહેલું થવું જોઈતું હતું. ધોળાવીરાને વૈશ્વિક ધરોહરનો દરજ્જો મળવાથી આ પ્રદેશનું પ્રવાસન વિકસશે, કેમ કે વિશ્વના પ્રવાસી સમૂહો દરેક દેશની વૈશ્વિક ધરોહરની મુલાકાત લેવાનું પ્રથમ પસંદ કરતા હોય છે, જેથી હવે ધોળાવીરા સહિત કચ્છનો પ્રવાસન ઉદ્યોગ ખીલશે. યુનેસ્કોના માધ્યમથી ભારત સરકાર ખાસ ફંડ પણ મેળવી શકશે, જેથી આ વિસ્તારનો વિકાસ કરી શકાશે. પાકિસ્તાનના મોંહે જો દડોને કરોડોનું ફંડ મળ્યું હતું, પરંતુ તેનો સત્તાધીશોએ યોગ્ય ઉપયોગ ન કર્યો. ધોળાવીરા સાઈટ માટે `કચ્છમિત્ર'એ પણ ખૂબ જ મહત્ત્વનો રોલ ભજવ્યો હોવાથી વૈશ્વિક દરજ્જો મળે છે ત્યારે એક અખબાર પણ યશભાગી હોવાનું તેમણે ઉમેર્યું હતું. - આટલી મોટી સિદ્ધિનો ફાયદો કચ્છ જ નહીં, પણ સમગ્ર દેશને થશે : ભુજ, તા. 27 : ધોળાવીરાના ઉત્ખનનમાં સતત સોળ વર્ષ સુધી સંકળાયેલા ગુજરાત સરકારના અધિકારી, રાજ્યના પુરાતત્ત્વ વિભાગના પૂર્વ નિયામક યદુબીરસિંહ રાવતે ધોળાવીરાને વૈશ્વિક ધરોહરનો દરજ્જો મળતાં પોતાની કર્મભૂમિમાં કરેલી મહેનત આજે લેખે લાગી છે તેનો સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આટલી મોટી સિદ્ધિનો ફાયદો માત્ર કચ્છ કે ગુજરાત નહીં દેશને મળશે. એમણે પોતાના સાથીદારો સાથે કરેલી જહેમત રંગ લાવી એ બદલ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, સૌની મહેનત આજે આ સ્તરે પહોંચી છે જેનો પરમ આનંદ છે. ધોળાવીરાનો વિકાસ થવાની સાથે પ્રવાસન ઉદ્યોગ વિકસતાં તેને આનુષંગિક ધંધા-રોજગાર પણ વધશે જેનો સીધો ફાયદો સ્થાનિક લોકોને થશે, જેથી ખડીરના લોકોનું જીવનધોરણ પણ સુધરશે, જે મોટી વાત છે. જ્યારે અમો કચ્છમાં કાર્યરત હતા ત્યારે જ વિશ્વાસ હતો કે આ સાઇટનો એક દિવસ વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ થશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer