ભૂકંપના આંચકાથી કંડલા બંદરે મકાન તૂટતાં 15 જણ ફસાયા : મોકડ્રિલ હતી

ભૂકંપના આંચકાથી કંડલા બંદરે મકાન તૂટતાં 15 જણ ફસાયા : મોકડ્રિલ હતી
ગાંધીધામ, તા. 27 : અહીંના દીનદયાળ (કંડલા) બંદરે આજે સવારે ભૂકંપને લગતી મોકડ્રિલનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ તંત્રો જોડાયા હતા અને સૌની સતર્કતાનો કયાસ કઢાયો હતો. કાર્ગે ગેટ નં. 15 પાસેનું એક મકાન ભૂકંપમાં ધ્વસ્ત થયું છે અને તેમાં 15 જણ ફસાયા છે તેવો સંદેશ વહેતો કરીને આ કવાયત કરાઈ હતી.દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ (ડીપીટી)ના અગ્નિશમન, આરોગ્ય વિભાગ, એન.ડી.આર.એફ. ઈફકો, કંડલા મરિન પોલીસની ટીમો આ કવાયતમાં જોડાઈ હતી. સવારે 11 વાગ્યે સી.આઈ.એસ.એફ. કન્ટ્રોલ રૂમને ગેટ નં. 15ના ઈન્ચાર્જે ભૂકંપનો સંદેશ આપ્યો હતો. કન્ટ્રોલ રૂમ તરત જ કામે લાગ્યો હતો અને અધ્યક્ષ, ઉપાધ્યક્ષ સહિતના તમામ જવાબદારોને આ સંદેશ પહોંચાડયો હતો. ડીપીટી પ્રશાસને તરત જ એન.ડી.આર.એફ.ની મદદ માગી હતી. બંદર ઉપર સાયરન ધણધણી ઊઠયા હતા. ગેટ નં. 15 પાસેના ખાલી પડેલા મકાનમાં આ કવાયત હાથ ધરાઈ તેને પગલે બંદરમાં આવવા-જવાનું અટકાવી દેવાયું હતું. તમામ આરોગ્ય અને બચાવ ટુકડીઓ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. મકાનમાં ફસાયેલાઓને શોધી તેમની સાથે સંદેશની આપ-લે શરૂ કરી દેવાઈ હતી. ફસાયેલાઓને બહાર કાઢવાની કવાયત શરૂ કરાઈ હતી અને ઘાયલોને જરૂરી સારવાર પણ પૂરી પડાઈ હતી. અમુક જણને રામબાગ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. આ મેઘા મોકડ્રિલનું નિરીક્ષણ કમાન્ડન્ટ અભિજિત કુમારે સંભાળ્યું હતું. ડીપીટીના તમામ વિભાગના અધિકારીઓ કવાયત સાથે સંકળાયા હતા. જુદા-જુદા વિભાગના કુલ્લે 137 જણે મોકડ્રિલમાં ભાગ લીધો હોવાનું ડીપીટીના જનસંપર્ક વિભાગની યાદીમાં જણાવાયું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer