હોકીમાં મજબૂત વાપસી : ભારત ક્વાર્ટર ભણી

ટોક્યો તા.27: ભારતીય પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં સફળ વાપસી કરીને કવાર્ટર ફાઇનલ ભણી આગેકૂચ કરી છે.આજે પૂલ-એના મેચમાં ભારતનો સ્પેન વિરૂધ્ધ 3-0 ગોલથી મહત્વનો વિજય થયો હતો. આ જીતથી પૂલ-એમાં ભારતીય હોકી ટીમ 3 મેચમાં 4 પોઇન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગઇ છે. ટોચ પર ઓસ્ટ્રેલિયા છે અને તેના 6 પોઇન્ટ છે. ભારતીય ટીમ હવે 29મીએ ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટિના સામે ટકરાશે. આ મેચ સવારે 6-00 વાગ્યાથી રમાશે.આજે સ્પેન સામેના મેચમાં ભારતીય ટીમની શરૂઆતથી જ આક્રમક રમત હતી અને પહેલા કવાર્ટરમાં જ 2-0ની સરસાઇ મેળવી લીધી હતી. સિમરનજીત સિંઘે 14મી મિનિટે અને 1પમી મિનિટે રૂપિન્દરપાલ સિંઘે પેનલ્ટી સ્ટ્રોકથી ગોલ કરીને ભારતને 2-0થી આગળ કરી દીધું હતું. પહેલા કવાર્ટરથી જ સ્પેનની ટીમ આથી દબાણમાં આવી ગઇ હતી. બીજા અને ત્રીજા કવાર્ટરમાં ગોલ થયા ન હતા. આખરી કવાર્ટરમાં રૂપિન્દરપાલે પેનલ્ટી કોર્નરથી ગોલ કરીને ભારતને સ્પેન સામે 3-0થી શાનદાર વિજય અપાવ્યો હતો. ભારતને કવાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે પૂલ એમાં ટોચ ફોરમાં રહેવું પડશે. ઓસ્ટ્રેલિયા સામેના પાછલા મેચમાં 1-7થી હાર સહન કર્યાં બાદ આજની સ્પેન સામેની જીત ભારતીય હોકી ટીમ રાહતજનક બની રહેશે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer