સત્યના આચરણથી અનેરી સિદ્ધિ પ્રાપ્ત થાય

સત્યના આચરણથી અનેરી સિદ્ધિ પ્રાપ્ત થાય
અંજાર, તા. 27 : દરેક માનવી પોતાનાં જીવનમાં સત્યનું આચરણ કરી પ્રભુએ ચીંધેલા માર્ગ પર જીવન જીવવાની શૈલીને અપનાવી પોતાનાં જીવનમાં આમૂલ પરિવર્તન સાથે અનેરી સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. તેવી જ રીતે ભવરોગ મટાડવા માટે સૌથી મોટી ઔષધિ ભાગવત છે તેવું અંજારમાં મિત્રી સમાજવાડી મધ્યે કચ્છ દેશીય સારસ્વત બ્રાહ્મણ વિદ્ધત સમિતિ પૂર્વ કચ્છ દ્વારા આયોજિત સમૂહ ભાગવતમાં વ્યાસપીઠ પરથી પ્રખર વક્તા ધીરજભાઇજી સારસ્વત (મુલુન્ડ-મુંબઇવાળા)એ જણાવ્યું હતું. વ્યાસપીઠ પરથી વક્તાએ ઉમેર્યું કે, મનુષ્યએ 84 લોકના ફેરામાંથી મુક્તિ પામવા માટે ભાગવતજીના શ્રવણ-કીર્તન અવશ્ય કરવા જોઇએ. જે ઘરોમાં માતા-પિતા, વડીલોનું આદર સન્માન કરાતું હશે તે ઘરોનાં બાળકોમાં આ સંસ્કારનું સિંચન થશે. માટે હંમેશાં ઘરોમાં સંસ્કારો, સારા વિચારોનું આચરણ કરવાથી આવનારી પેઢીમાં આ સંસ્કારોના બીજનું વાવેતર થશે.આ સમૂહ ભાગવતમાં તા. 28-7ના બુધવારે બપોરે રામ જન્મોત્સવ અને સાંજે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. આ મહોત્સવમાં કચ્છ રાજવી પરિવારના મોભી મહારાણી ગં.સ્વ. પ્રીતિદેવીબા ઓફ કચ્છ ખાસ ઉપસ્થિત રહેશે. આજની ભાગવત સપ્તાહમાં કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી સમાજના પ્રમુખ બલરામભાઇ જેઠવા, પ્રવીણભાઇ વેગડ, મહેશભાઇ પરમાર, પરેશભાઇ પરમાર, કિશોરભાઇ જેઠવા દ્વારા  ધીરજભાઇજીનું સન્માન કરાયું હતું. ભાગવત સમિતિ દ્વારા આ અગ્રણીનું શાલ-મોમેન્ટો દ્વારા સન્માન કરાયું હતું. આ સપ્તાહમાં સારસ્વત સમાજ ભુજના અગ્રણી અને વિવિધ સેવાકીય સંસ્થાઓમાં જોડાયેલા શંભુભાઇ જોશી દ્વારા સપ્તાહના આ ધાર્મિક કાર્યના આયોજનને બિરદાવી કમિટીના સદસ્યોને અભિનંદન પાઠવ્યા હતા. કમિટી દ્વારા શંભુભાઇનું શાલ-મોમેન્ટો દ્વારા સન્માન કરાયું હતું. સમૂહ ભાગવત સપ્તાહના દાતા પરિવાર, મુખ્યપોથી યજમાન તેમજ પોથી યજમાનો દ્વારા પોથીપૂજન-આરતી કરવામાં આવે છે. આ સમગ્ર ભાગવત સપ્તાહનું લાઇવ પ્રસારણ રાજગોર લાઇવ-1 યુ-ટયૂબ પર, તેમજ જી.ટી.પી.એલ. ગીતાંજલિ સેટેલાઇટ સર્વિસ અંજાર, ઉષા ટી.વી. ચેનલ-9 નંબર પર પ્રસારણ થતાં મોટી સંખ્યામાં લોકો દેશ-વિદેશમાં નિહાળી રહ્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer