પૂર્વ કચ્છમાં ત્રણ યુવાનનાં અકાળ મોત

ગાંધીધામ, તા. 27 : કંડલાના દીનદયાળ બંદરે જેટી નંબર 7 ઉપર આવેલી ક્રેનમાં સાફસફાઇ અને રખરખાવ માટે ઉપર ચડેલા અલ્ફાઝ કાદરભાઇ ચૌહાણ (ઉ.વ.23) નામનો યુવાન નીચે પટકાતાં તેનું મોત થયું હતું. બીજી બાજુ ગાંધીધામના કાર્ગો આઝાદનગરમાં  પેરીજસમી આદિદ્રવિડ કામરેજ (ઉ.વ.23) નામના યુવાને ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. ભચાઉ-ગાંધીધામ ધોરીમાર્ગ ઉપર નંદગામ નજીક બંધ પડેલા ટ્રેઇલરમાં  પાછળથી ટ્રક ઘૂસી જતાં ટ્રકના ક્લીનર બિબ્બરના ભરતસિંહ દાનુભા જાડેજા (ઉ.વ.28)નું મોત થયું હતું. કંડલા બંદર ઉપર આજે બપોરે જીવલેણ બનાવ બન્યો હતો. ખાનગી કંપનીમાં દોઢ-બે મહિના પહેલાં  કામે લાગેલો મિકેનિકલ ઇજનેર અલ્ફાઝ નામનો યુવાન મૂળ વેરાવળનો છે તે હાલે આદિપુરમાં રહેતો હતો. વરસાદના પાણી તથા રખરખાવ સંદર્ભે તે આજે પોર્ટની જેટી નંબર-7 ઉપર આવેલી ક્રેન નંબર 10 ઉપર ચડયો હતો. તેની સાથે અન્ય કામદારો પણ?હતા તેવું પોલીસે જણાવ્યું હતું. આ ક્રેનમાં  કામગીરી ચાલી રહી હતી અને ક્રેનની કેબિનનો દરવાજો ખુલ્લો હતો. તેવામાં આ યુવાન અકસ્માતે અચાનક નીચે પટકાયો હતો. પ્રથમ તે જેટીમાં ટકરાયો હતો અને બાદમાં  પાણીમાં પડી ગયો હતો. યુવાન પાણીમાં  પડી ગયો હોવાનું જાણીને ત્યાં હાજર લોકોએ તેને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને તેને સારવાર અર્થે રામબાગ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, જ્યાં?ફરજ પરના  તબીબે આ યુવાનને  મૃત જાહેર કર્યો હતો. ખરેખર આ બનાવ કેવી રીતે બન્યો હતો તેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. અપમૃત્યુનો વધુ એક બનાવ ગાંધીધામ કાર્ગોના આઝાદનગરમાં બન્યો હતો. અહીં રહેનારો પેરીજસમી નામનો યુવાન પોતાના ઘરે હાજર હતો ત્યારે  ગઇકાલે સાંજના અરસામાં તેણે રસ્સી વડે ગળેફાંસો ખાઇ છેલ્લા શ્વાસ લીધા હતા. આ બનાવ પછવાડેનું કારણ હજુ અકળ છે. બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી બનાવ પછવાડેનું  કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ટ્રક નંબર જીજે-12- બીએક્સ-9782ના ચાલક તખજી પ્રેમસંગજી જાડેજા અને ક્લીનર ભરતસિંહ જાડેજા અબડાસાની અલ્ટ્રાટેક કંપનીમાંથી સિમેન્ટ ભરી અમદાવાદ ગયા હતા, ત્યાંથી મુંદરાના ચોખા ભરી પરત આવી રહ્યા હતા તે દરમ્યાન આજે વહેલી પરોઢે નંદગામ નજીક ભચાઉ-ગાંધીધામ ધોરીમાર્ગ ઉપર ગણેશ પેટ્રોલપંપની સામે તેમને  અકસ્માત નડયો હતો. આ જગ્યા ઉપર ટ્રેઇલર નંબર જીજે-12- બીવી- 4790ના ચાલકે કોઇ આડસ કે સિગ્નલ આપ્યા વગર પોતાનું વાહન અહીં ઊભું રાખ્યું હતું. દરમ્યાન ભચાઉથી ગાંધીધામ બાજુ આવતી ?ટ્રક આ ટ્રેઇલરમાં  પાછળથી ઘૂસી જતાં ટ્રકના ક્લીનર ભરતસિંહને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી, જેમાં તેનું તત્કાળ મોત થયું હતું. આ ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ ટ્રકના માલિક મનોજ ખરાશંકર જોશીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer