અંજારમાં જાહેર રસ્તા પરનું દબાણ 30 દિવસમાં દૂર કરવાનો આદેશ

ભુજ, તા. 27 : અંજાર શહેરમાં વોર્ડ નંબર-2 સ્થિત કામધેનુ સોસાયટીમાં આવેલા રહેણાકના હેતુ માટેના પ્લોટ ઉપર કરાયેલું દબાણ 30 દિવસમાં દૂર કરીને પ્લોટનો કબ્જો તેના માલિકને સુપરત કરવા અદાલતે આદેશ કર્યો હતો.આ કેસમાં પરાગ પરસોત્તમ જેઠવા દ્વારા તેમના ખુલ્લા પ્લોટમાં દબાણ થવાની આ ફરિયાદ કરી હતી અને પ્રકરણને કાયદાકીય સ્વરૂપ અપાયું હતું. સુનાવણી દરમ્યાન અદાલતે બન્ને પક્ષને સાંભળી પરાગભાઇ તરફે ચુકાદો આપતાં દબાણ 30 દિવસમાં ખાલી કરવા અને પ્લોટનો કબ્જો તેમને સુપરત કરવા આદેશ પ્રિન્સિપાલ સિવિલ જજ શ્રી તોલાણીએ કર્યો હતો. આ કેસમાં વાદીના વકીલ તરીકે સંજીવભાઇ દુબે, અદનાનભાઇ બોહરા, કમલેશ ચાવડા અને આશિષગિરિ ગોસ્વામી રહ્યા હતા. - બાઇક ચોરી કેસમાં જામીન : એકસાથે છ બાઇકની ચોરીના મામલામાં પકડાયેલા ધનજી કારા કોળીને જિલ્લા અદાલત દ્વારા જામીન આપતો હુકમ કરાયો હતો. આ સુનાવણીમાં આરોપીના વકીલ તરીકે ભુજના સુમિત જગદીશચંદ્ર પંડયા રહ્યા હતા. - ત્રાસની ફરિયાદ રદ : દક્ષિણ ગુજરાતના સુરત શહેરના ઉના પોલીસ મથકમાં રાજસ્થાન રહેતા પુનિતનંદ કિશોર બિરલા સામે તેમના પત્નીએ દાખલ કરાવેલી શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ રદ કરવાનો આદેશ રાજ્યની હાઇકોર્ટ દ્વારા કરાયો હતો. આ કેસમાં આરોપીના વકીલ તરીકે હેતલ વી. ચાવડા અને સંદીપ આર. લિંબાણી રહ્યા હતા.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer