નિખિલનો મદદકર્તા હોસ્પિટલ કર્મચારી ઝડપાયો

નિખિલનો મદદકર્તા હોસ્પિટલ કર્મચારી ઝડપાયો
ભુજ, તા. 7 : ગુજસીકોટ સહિતના સંખ્યાબદ્ધ ગુનાના ખૂંખાર આરોપી નિખિલ ઉર્ફે નિકુંજ રમેશભાઇ દોંગાના નાસવાના પ્રકરણમાં ગંભીરતા સાથે આગળ ધપી રહેલી પોલીસ તપાસનું પગેરું હવે આરોગ્ય અને જેલના સ્ટાફ તરફ લંબાયું છે. આ અન્વયે તહોમતદારને મદદ કરવા બદલ ભુજની જનરલ હોસ્પિટલમાં ડયુટી મેનેજર તરીકે ફરજ બજાવતા માધાપર ગામના રહેવાસી વિજય વિઠ્ઠલ સાંઘાણીની ધરપકડ કરવામાં આવી છે. આ હોસ્પિટલ કર્મચારીના  આગામી તા.9મી સુધીના બે દિવસના રિમાન્ડ મેળવાયા છે. ભાગેડુ તહોમતદાર નિખિલ દોંગાને જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે આરોપી વિજય સાંઘાણીએ તેના સંપર્કો અને હોદ્દાનો ઉપયોગ કર્યો હોવાની વિગતો તપાસમાં બહાર આવી હતી. પોલીસે વિજયને ઉઠાવીને તેની પૂછતાછ કરતા તેણે કબુલાત આપ્યા બાદ વિધિવત ધરપકડ કરાઇ હતી. વિજયે આરોપીને મદદગારી માટેનું આ કામ આ કેસમાં અગાઉ ઝડપાઇ ચૂકેલા અને હાલે રિમાન્ડ ઉપર રહેલા માધાપરના આકાશ આર્ય નામના તેના મિત્રના કહેવાથી કર્યું હોવાનું પણ બહાર આવ્યું છે.  કેસના તપાસનીશ અધિકારી ભુજ વિભાગના નાયબ પોલીસ અધીક્ષક જે.એન. પંચાલે આ સબંધી વિગતો આપતા જણાવ્યું હતું કે વિજયની ધરપકડ બાદ તેને રિમાન્ડની માગણી સાથે સ્થાનિક અદાલત સમક્ષ રજુ કરાયો હતો. સૌરાષ્ટ્રના નામીચા આરોપી નિખિલ દોંગાના આ કિસ્સામાં જનરલ હોસ્પિટલના સ્ટાફ અને જેલના સ્ટાફની કોઇ ભૂમિકા રહેલી છે કે કેમ તે તરફ પણ તપાસનો દોર લંબાવાયો હોવાનું તેમણે ઉમેર્યું હતું. વિજયને તપાસનીશ એજન્સીએ કોર્ટ સમક્ષ રજૂ કરતાં તેના  તા. 9મી સુધીના રિમાન્ડ મળ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. દરમ્યાન માહિતીગાર સુત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધી આ પ્રકરણમાં તેર આરોપી ઝડપાઇ ચૂકયા છે. હવે તપાસનો દોર જે રીતે લંબાવાઇ રહયો છે તે જોતા આગામી દિવસોમાં કડાકાભડાકા સાથેની વિગતો સપાટીએ આવવાની સંભાવના જોવાઇ રહી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer