પરપ્રાંતીય મજૂરોના અભાવે ઉદ્યોગો સૂમસામ

પરપ્રાંતીય મજૂરોના અભાવે ઉદ્યોગો સૂમસામ
કોટડા (ચ) (તા. ભુજ), તા. 7 : હાલ કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે, જેથી પરપ્રાંતીય મજૂરોમાં લોકડાઉનનો ડર છે. તે વચ્ચે હાલ હોળી-ધૂળેટી અર્થે માદરે વતન ગયેલા પરપ્રાંતીય મજૂરો પરત ન આવતા કચ્છના ખાસ કરીને 24 કલાક ધમધમતા ચાઇનાક્લેના કારખાનાઓ સૂમસામ ભાસી રહ્યાં?છે. જેથી કારખાનેદારોને મોટો આર્થિક ફટકો પડવાની સંભાવના જોવાઇ રહી છે. તાલુકાના શેખપીરથી પદ્ધર, લાખોંદ, કાળી તળાવડી, મમુઆરા, નાડાપા, ડગાળા, મોખાણા સહિત ગામડાઓના સીમાડાઓમાં 150થી પણ વધુ પ્રોસેસિંગ પ્લાન્ટોના મજૂરો ઘરે જવાથી અત્યારે આવા અનેક કારખાનાઓ બંધ પડી ગયાં છે. ઉદ્યોગપતિઓ (ચાઇનાક્લે)ના કહેવા પ્રમાણે મધ્યપ્રદેશ, જાબુઆ, ગુજરાતના ડાંગ, ગોધરા, પંચમહાલ જેવા વિસ્તારોમાં રહેતા આવા મજૂરો તહેવારોના કારણે વતન ગયા છે, પરંતુ ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસોના કારણે હજુ સુધી પરત ન ફરતા ચિંતા સેવાઇ રહી છે. આ વખતે મે કે જૂન માસ સુધી આવશે તો ઉનાળાની ઋતુ શરૂ થતી હોય છે. ચાઇનાક્લે (માટી) ઉનાળામાં તેનું ઉત્પાદન સારું થતું હોય છે. પરંતુ ઉનાળાની શરૂઆત તો થઇ પણ મજૂરોની અછતના કારણે સ્થાનિક મજૂરોને મજૂરી વધારે આપવા છતાં મજૂરો ન મળતાં આ ઉદ્યોગને  મોટી આર્થિક અસર પડી શકે છે. સ્થાનિક શ્રમજીવીઓની અછત વર્તાતા ઉદ્યોગપતિઓ મુશ્કેલીમાં મુકાયા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer