ભુજમાં માસ્ક નહીં પહેરનાર શેરી ફેરિયા-હાથલારીવાળાને દંડાશે

ભુજમાં માસ્ક નહીં પહેરનાર શેરી ફેરિયા-હાથલારીવાળાને દંડાશે
ભુજ, તા. 7 : શહેર સુધરાઇ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં સેનેટાઇઝેશન કરવા સાથે શેરી ફેરિયા-હાથલારી-વાળાઓને માસ્ક વિતરણ કરાયા હતા તેમજ જે માસ્ક નહીં પહેરે તો દંડ કરાશે તેવી તાકીદ પણ કરી હતી. ભુજ શહેરમાં કોરોનાની જાગૃતિ માટે પ્રચાર-પ્રસાર કરાયો હતો તેમજ શહેરમાં કોમર્શિયલ વિસ્તારમાં તેમજ શેરી ફેરિયા (હાથલારીવાળા) કે જ્યાં લોકોની અવર-જવર વધુ હોય છે તેમજ ભીડ વધારે હોય છે તેવા વિસ્તારોમાં માસ્ક વિતરણ કરાઇ રહ્યું છે. જો માસ્ક વિના કોઇ પણ વ્યક્તિ માલૂમ પડશે તો મદદનીશ કલેક્ટરની સૂચના મુજબ સરકારની ગાઇડલાઇન પ્રમાણે દંડ વસૂલવામાં આવશે અને આ કામગીરી નગરપાલિકા દ્વારા શરૂ કરી દેવાઇ છે. આ અંગે સુધરાઇ પ્રમુખ ઘનશ્યામ આર. ઠક્કરે જણાવ્યું હતું કે, શહેરના જુદા જુદા જાહેર સ્થળો પર મેલેરિયા શાખા દ્વારા સેનેટાઇઝેશન કરાઇ રહ્યું છે. આ કામગીરી અવિરત રહેશે તેમજ નગરપાલિકાના વાહનો દ્વારા કોરોના જાગૃતિ અંગે તેમજ રસીકરણના સેન્ટરોની જાહેરાત પણ કરાય છે. વોર્ડ મુજબ રસીકરણના કેન્દ્રોના સરનામાના પેમ્પલેટ છપાવી જુદા જુદા વિસ્તારોમાં તેનું વિતરણ કરાય છે. કોરોનાની મહામારી ચાલે છે ત્યારે આવા સંજોગોમાં જાહેર સ્થળો પર માસ્ક પહેરી રાખવા તેમજ સરકારના નિયમોનું પાલન કરવા લોકોને અપીલ કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer