કોરોના સામેની લડાઈનો જંગ જીતવા રસી એકમાત્ર અને જરૂરી ઉપાય

કોરોના સામેની લડાઈનો જંગ જીતવા રસી એકમાત્ર અને જરૂરી ઉપાય
મુંદરા, તા. 7 : અહીં મેગા રસીકરણ કેમ્પ યોજાયો હતો. જેમાં 1100 વ્યક્તિએ રસી લઈ જાગૃતતા બતાવી હતી. મુંદરા-બારોઈ નગરપાલિકા, મુંદરા શહેર ભાજપ તથા આરોગ્ય વિભાગના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં મુંદરા-માંડવીના ધારાસભ્ય તથા કાર્યક્રમના અધ્યક્ષ વીરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે વૈશ્વિક મહામારી કોરોનાના પડકારને નાથવા વેક્સિનેશન અભિયાન સમગ્ર રાષ્ટ્રમાં ચાલી રહ્યું છે ત્યારે લોકો રસી લે તે આવશ્યક છે. કોરોના સામેની લડાઈ જીતવી હશે તો એકમાત્ર ઉપાય રસી છે. નગરપાલિકાના પ્રમુખ કિશોરસિંહ પરમાર, ઉપપ્રમુખ ચંદ્રિકાબેન પાટીદાર, કા. સમિતિના ચેરમેન ડાહ્યાલાલ આહીરે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ અને ધારાસભ્ય વીરેન્દ્રસિંહ તથા ભાજપના પ્રભારી જયંતભાઈ માધાપરિયાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આ મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો. મુંદરા તા. ભાજપ પ્રમુખ વિશ્રામભાઈ ગઢવી, મહામંત્રી કીર્તિભાઈ કેશવાણી, રવાભાઈ આહીર, જિલ્લા પંચાયતના સદસ્ય વિરમભાઈ ગઢવી, મોટી ખાખરના ભાજપ અગ્રણી કુલદીપસિંહ જાડેજા, લોહાણા મહાજનના પ્રમુખ કિશોરસિંહ ચોથાણી, યુવા કાર્યકર યોગેશ ઠક્કરએ કેમ્પની મુલાકાત લીધી હતી. આરોગ્ય વિભાગના ડો. ગિરિવર બારિયા તથા તાલુકા સુપરવાઈઝર હરિભાઈ જાટિયાએ વાત કરતાં જણાવ્યું હતું કે કોરોનાનો બીજા રાઉન્ડે જે સંક્રમણ ફેલાવ્યું છે તેમાં ખાસ કરીને નાના બાળકો વધારે પ્રમાણમાં સંક્રમિત થયા છે. કામ વગર લોકો ઘરમાંથી બહાર ન નીકળે તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. મુંદરા ભાજપના રસીકરણ અભિયાનના ઈન્ચાર્જ?ગૌરાંગ ત્રિવેદી અને સહઈન્ચાર્જ હિરેન સાવલા રહ્યા હતા. કેમ્પ રોટરી હોલ ઉપરાંત છ જગ્યાએ યોજાયો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer