સાવધાન.. ભારતમાં વિક્રમી 1.15 લાખ નવા દર્દી

નવી દિલ્હી, તા. 7 : આવનારો એક મહિનો કટોકટીનો છે તેવી સરકારની ચેતવણી વચ્ચે ચિંતામાં વધારો કરતાં બુધવારે દેશમાં કોરોના સંકટ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીનો વિક્રમ તોડતાં 1 લાખ, 15 હજાર નવા કેસ સામે આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસમાં બીજીવાર એક લાખથી વધુ નવા કેસ આજે આવ્યા છે. ભારતના વિવિધ ભાગોમાં આજે 1,15,736 નવા કેસ નોંધાતાં સંક્રમિતોની કુલ્લ સંખ્યા 1.28 કરોડને આંબી 1 કરોડ, 28 લાખ, 1,785 પર પહોંચી ગઇ છે. દેશમાં આજે આવેલા નવા કેસમાંથી અડધોઅડધ કરતાં વધુ 59,907 નવા કેસ એકલાં મહારાષ્ટ્રમાં આવ્યા છે, જે રાજ્યમાં સર્વાધિક સંખ્યા છે. રાજ્યમાં કુલ 31 લાખ, 73 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. આજે વધુ 322 દર્દીનાં મોત સાથે મહારાષ્ટ્રમાં મરણાંક 56,652 પર પહોંચી ગયો છે. દેશમાં 24 કલાક દરમ્યાન વધુ 630 દર્દીને કોરોનાએ કાળના મુખમાં ધકેલી દેતાં કુલ્લ 1,66,177 દર્દી જીવ ખોઇ ચૂક્યા છે. નવા કેસો અને સક્રિય કેસોમાં એક મહિના કરતાં વધુ સમયથી લગાતાર ઉછાળા વચ્ચે પણ મૃત્યુદર 55,250 સક્રિય કેસોનો ઉછાળો આવતાં આજની તારીખે 8,43,473 સંક્રમિતો સાવાર હેઠળ છે. સતત વધારાના પગલે કુલ્લ સંક્રમિતોની સંખ્યાની તુલનાએ સક્રિય કેસોનું પ્રમાણ વધતું રહીને 6.59 ટકા થઇ ગયું છે. છેલ્લા 24 કલાકમાં વધુ 59,856 સંક્રમિતો કાતિલ વાયરસ સામે જીવનનો જંગ જીતી જતાં કુલ્લ 1 કરોડ 17 લાખ, 92,135 દર્દીઓ સંક્રમણના સકંજામાંથી છૂટકારો મેળવી ચૂક્યા છે. દેશભરમાં મહારાષ્ટ્ર સહિત રાજ્યોમાં જેટ ગતિએ વકરી રહેલા સંક્રમણના કારણે સાજા થતા દર્દીઓનો દર એટલે કે રિકવરી રેટ ઘટીને 92.11 ટકા થઇ ગયો છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઇસીએમઆર) તરફથી મળતી વિગત મુજબ અત્યાર સુધીમાં થયેલા કુલ્લ પરીક્ષણનો આંક 25 કરોડને પાર કરી ગયો છે. - રાયપુરમાં થયું પૂર્ણ લોકડાઉન: પંજાબમાં રાત્રિ કરફ્યૂ : નવી દિલ્હી, તા.7 : દેશભરમાં કોરોનાવાયરસ ડરામણી રીતે વધી રહ્યો છે ત્યારે તેને ફેલાતો રોકવા રાજ્યો પરિસ્થિતિ અનુસાર પગલાં લઈ રહ્યાં છે. ગુજરાત અને દિલ્હી સહિત છ રાજ્યના અનેક શહેરોમાં રાત્રિ કરફ્યૂ લદાઈ ચૂક્યો છે ત્યારે આજે પંજાબે સંપૂર્ણ રાજ્યમાં રાત્રિ કરફ્યૂ લાદવાની, ચંદીગઢમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી હતી. છત્તીસગઢના રાયપુરમાં ંપૂર્ણ લોકડાઉન લદાયું છે જ્યારે કર્ણાટકના બેંગ્લોરમાં 144મી કલમ લાગુ કરવામાં આવી છે. છત્તીસગઢમાં કોરનાથી સતત બદતર થઈ રહેલી સ્થિતિને ધ્યાને  લેતાં રાયપુરમાં 9થી 19 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. રાયપુર કલેક્ટર એસ.ભારતી દસને જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિને ધ્યાને લેતાં રાયપુર જિલ્લાને 9 એપ્રિલની સાંજના 6 વાગ્યાથી 19 એપ્રિલના સવારે છ વાગ્યા સુધી કન્ટેઈન્મેન્ટ ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યો છે.રાજ્યના દુર્ગ જિલ્લામાં પણ ગઈકાલથી લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. દરમ્યાન, પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરીંદર સિંહે એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ સમગ્ર રાજ્યમાં 30મી એપ્રિલ સુધી રાત્રિના 9થી પરોઢના પાંચ વાગ્યા દરમ્યાન કરફ્યૂની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રાજ્ય સરકારે બીજી સૂચના ન આવે ત્યાં સુધી રાજકીય મેળાવડા પર રોક લગાવી છે. પરિસ્થિતિની ફરી આવતીકાલે સમીક્ષા કરવામાં આવશે અને જરૂર પડયે નવા આદેશ કરવામાં આવશે. આ ઉપરાંત ચંદીગઢમાં રાત્રિ કરફ્યૂ અને બેંગ્લોરમાં 144મી કલમ લાગુ કરવામાં આવી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer