ગાગોદરના સરપંચને હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરતા ડીડીઓ

રાપર, તા. 7: તાલુકાના ગાગોદર ગામના સરપંચ સામે જુલાઈ 2020માં જુગારધારાની કલમો તળે નોંધાયેલી ફરીયાદ સંદર્ભે સુનાવણી થયા બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને પદ ઉપરથી ફરજ મોકુફ કરતો હુકમ કરવામાં આવ્યો છે.આ અંગેની મળતી વિગતો મુજબ આડેસર પોલીસે ગત તા. 8 જુલાઈના પપ્પુ કલાભાઈ ભરવાડના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા 9 જણાને ઝડપી પાડયા હતાં. આ ફરીયાદમાં આરોપી તરીકે ગાગોદર સરપંચ દેવાભાઈ રાયમલભાઈ ભરવાડ  સામે પણ ફરીયાદ કરાઈ હતી. તેમજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે પંચાયત અધીનીયમની કલમ તળે નોટીસ આપવામાં આવી હતી. આ નોટીસ સંદર્ભે વર્ષ 2020માં પાંચેક વખત સુનાવણી  થઈ હતી. જેમાં સરપંચના વકીલ દ્વારા લેખીત દલીલો કરવામાં આવી હતી. ડીડીઓ દ્વારા પોલીસ ફરીયાદ અને દલીલોને સાંભળી હતી.દેવાભાઈ ભરવાડ ગામના પ્રથમ પંકતીના નાગરીકની સાથે ગામના સરપંચનો વૈધાનીક હોદો ધરાવતા હોઈ તેમની  પાસેથી કાયદાની મર્યાદા જળવાય તેવા વર્તનની અપેક્ષા રાખી શકાય. પરંતુ સદરહુ પોલીસ ફરીયાદને ધ્યાનમાં લેવાય તો જુગાર જેવી પ્રવૃતિમાં ગામના સરપંચ જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિ સામેલ થાય તો ગામના લોકોના માનસ ઉપર ખોટી છાપ ઉભી થાય તેવું ડીડીઓ ભવ્ય વર્માએ ચુકાદામાં ટાંકયું છે. જેથી સરપંચને જુગારના  ગુનાનો કોર્ટમાંથી આખરી નિકાલ ન થાય ત્યાં સુધી હોદા ઉપરથી ફરજ મોકુફ કરવાનો હુકમ કર્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer