માંડવીના કેટરર્સ વ્યવસાયીઓ સાથે થયેલી છેતરપિંડી વિશે ફોજદારી દાખલ
ભુજ, તા. 7 : કચ્છ જિલ્લાની વિવિધ સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર લેબોરેટરી સ્થાપવાના કામ માટે આવનારા માણસોના ભોજન માટેનો કોન્ટ્રેકટ આપવાના બહાને કરાયેલી ઠગાઇનો ગુનો માંડવી પોલીસ મથકમાં અમદાવાદની કંપની અને તેના સંચાલક સામે નોંધાયો છે. કચ્છનો આ પ્રથમ ગુનો છે આ છેતરપિંડીનો વ્યાપ અને આંક મોટો હોવાથી આવનારા દિવસોમાં અન્ય ફરિયાદો નોંધાય તેવી પણ સંભાવના છે. માંડવી શહેરમાં લાયજા રોડ ઉપર સંસ્કાર નગરમાં રહેતા અને કેટરર્સ તરીકેનો વ્યવસાય કરતા કરૂણાશંકર શિવજી જોશીએ આજે માંડવી પોલીસમાં બોડકદેવ અમદાવાદના હિરેન ઉર્ફે યશ વિજેદ્ર વૈધ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 406 અને 420 મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો. ફરિયાદને ટાંકીને પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ 2020માં જુન મહિનાથી અલગઅલગ તારીખો દરમ્યાન આરોપી હિરેન ઉર્ફે યશ વૈધએ તેની કંપની ધી રીલ એન્ટેટમેઇન્ટ કંપનીના કોન્ટ્રેકટના નામે આ છેતરપિંડી કાંડને અંજામ આપ્યો હતો. કચ્છ જિલ્લાની વિવિધ સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ બનાવવાના કામ માટે આવનારા માણસોના ભોજન વગેરેની વ્યવસ્થા માટે આ કંપનીએ કેટરર્સ વ્યવસાયીઓ પાસે ટેન્ડર મંગાયા હતા. ફરિયાદી શ્રી જોશીએ પણ આ ટેન્ડર ભર્યું હતું અને તેમની પાસેથી રૂા. ત્રણ લાખ અને અન્યો પાસેથી રૂા. દશ લાખ મેળવ્યા હતા. બાદમાં કામનો ઠેકો ન અપાયો હતો અને લીધેલા રૂપિયા પણ પરત કરાયા ન હતા. આ વચ્ચે કંપનીએ આપેલા ચેક બેન્કમાંથી પરત ફરતા અંતે આજે ગુનો દાખલ કરાવાયો હતો. દરમ્યાન આ છેતરપિંડીનો વ્યાપ સમગ્ર ગુજરાત રાજયમાં ફેલાયેલો હોવાનું અને આંકડો દોઢેક કરોડે પહોંચે તેમ હોવાની વિગતો બહાર આવી રહી છે.