ગાંધીધામ-આદિપુરમાં રાત્રિ કર્ફ્યૂનો કડક અમલ

ગાંધીધામ, તા. 7 : કાળમુખા કોરોનાએ ફરી માથું ઊંચકયું છે અને કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે જિલ્લાના આર્થિક પાટનગર એવા આ ગાંધીધામ - આદિપુરમાં રાત્રે કર્ફ્યૂ જાહેર કરાયો છે, તેની કડક અમલવારી માટે પોલીસએ કમર કસી છે, પોલીસે આજે સાંજથી માસ્ક અંગેના અને.સી. કેસ કર્યા હતા. રાજ્યના 20 શહેરો પૈકી અહીં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 સુધી કર્ફ્યૂ જાહેર કરાયો છે ત્યારે કામ વગર કોઇ જાહેર જગ્યા, રોડ, બગીચા કે અન્ય જગ્યાએ ન આવે તે માટે પોલીસે શહેરના ચાવલા ચોક, બસ સ્ટેન્ડ, રેલવે મથક, સુંદરપુરી પાણીના ટાંકા પાસે, અપનાનગર ચાર રસ્તા, ભારતનગર, ગાંધી માર્કેટ, આંબેડકર સર્કલ, રોટરી સર્કલ, ગૂડઝ શેડ, આદિપુરમાં મુંદરા સર્કલ, સંતોષી માતાથી ચાર રસ્તા, બસ સ્ટેશન વગેરે જગ્યાએ પોઈંટ ગોઠવી દીધા હતા. તેમજ ભીડવાળા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરાતું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. લોકોમાં સંક્રમણ ન ફેલાય તે માટેના તમામ પ્રકારનાં પગલાં લેવામાં આવશે તેવું પોલીસ દ્વારા જણાવાયું હતું. આજે સાંજથી જ પોલીસ શહેરમાં નીકળી પડી હતી અને માસ્ક અંગેના એન.સી. કેસો કર્યા હતા. લોકોએ પણ રાત્રિ  કર્ફ્યૂ દરમ્યાન અત્યંત જરૂરિયાતનાં કામ વગર બહાર ન નીકળવા તંત્રોએ અપીલ કરી હતી. પ્રાંત અધિકારી વી.કે. જોષીએ જણાવ્યું હતું કે લોકો બેદરકારી ન દાખવે અને કોરોના સંક્રમણના વધતા પ્રભાવને હળવાશથી ન લે તે જરૂરી છે. શરૂમાં પ્રશાસને મફતમાં માસ્કનું વિતરણ કર્યું હતું, હવે જરૂર પડયે માસ્ક ન પહેરનારાઓ પ્રત્યે નાછુટકે કડકાઇ બતાવવી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer