રાજસ્થાનની ગુમ યુવતીને આડેસર પોલીસે શોધીને પરિવારજનોને સોંપી
રાપર, તા. 7 : આડેસર ચેકપોસ્ટ ખાતે પોલીસે રાજસ્થાનની ગુમ થયેલી યુવતીને શોધી રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી યુવતી પરત સોંપી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ જિલ્લાના, રાજયના તેમજ રાજય બહારના ગુમ થયેલા બાળકો અને ઈસમોને શોધવા માટે રેન્જ આઈ.જી. જે.આર. મોથાલિયા, પૂર્વ કચ્છ પોલીસ વડા મયૂર પાટિલ, નાયબ પોલીસ વડા કે.જી ઝાલા અને રાપર સી.પી.આઈ. દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ અંતર્ગત આડેસર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરી કરાઈ હતી. આ દરમ્યાન મહિન્દ્રા મેક્સ જીપ પસાર થતાં તેને રોકીને તપાસ કરાઈ હતી. જીપમાં ડ્રાઈવર સાથે બે પુરુષ અને એક મહિલા સહિત ત્રણ જણ સવાર હતા. ઝુઝારામ વકતારામ બ્રાહ્મણ અને પ્રદીપ ભૈરારામ ઢાઢીની કડક પૂછપરછ કરતાં પ્રહ્લાદ બ્રાહ્મણે રેખાબેનને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોવાની કબુલાત આપી હતી.આરોપીઓ કચ્છમાં છુપાવવા માટે આવ્યા હતા. પૂછપરછ બાદ આડેસર પોલીસે રાજસ્થાન પોલીસનો સંપર્ક સાધ્યો હતો. બાડમેર જિલ્લાના બાયાતુ પોલીસ મથકમાં યુવતી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવાઈ હતી. બાયાતુ પોલીસ મથકના અધિકારી અને ગુમ થનાર યુવતીના ભાઈ આડેસર પોલીસ સ્ટેશન આવ્યા હતા અને બાયાતુ પોલીસ મથકના સહાયક ફોજદાર વિરદારામની હાજરીમાં યુવતીને પરિવારજનોને સોંપી હતી. આ કામગીરીમાં પી.એસ.આઈ. વાય.કે. ગોહિલ અને પોલીસ સ્ટાફ જોડાયો હતો.