મુંદરામાં રાત્રિ ક્રિકેટનાં આયોજન થકી સંક્રમણ વધવાની ભીતિ
મુંદરા, તા. 7 : કોરોનાનો કહેર વકરતો જાય છે અને ભુજ તથા ગાંધીધામમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે તો બીજી તરફ મુંદરા મધ્યે રાત્રિ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન ચર્ચાનો વિષય બન્યો છે. આયોજકોનો હેતુ ઉમદા છે પણ રાત્રે ક્રિકેટ ટૂર્નામેન્ટ જોવા ભીડ એકઠી થાય છે અને કોરોનાનું સંક્રમણ વધવાની દહેશત સુજ્ઞ નાગરિકો વ્યકત કરી રહ્યા છે.ડે-નાઇટ ટૂર્નામેન્ટમાં 96 ટીમ ભાગ લઇ રહી છે અને રાત્રિના 2થી 3 વાગ્યા સુધી ક્રિકેટ મેચ જોવા લોકો એકઠા થાય છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા પ્રેક્ષકોની ઉપસ્થિતિ પણ નોંધપાત્ર છે. અન્ય શહેરોની સરખામણીએ મુંદરા થોડું સુરક્ષિત છે પણ આ પ્રકારનાં આયોજન ગમે ત્યારે સ્થિતિ બગાડી શકે તેમ છે. જવાબદાર તંત્રના અધિકારીઓએ આવાં આયોજન અંગે આંખ આડા કાન કર્યાં છે, પરિણામે કોરોનાને તક મળી જવાની શક્યતા છે. સમાઘોઘા ગામે સ્વૈચ્છિક અડધા દિવસનું લોકડાઉન કરી જાગૃતિ દર્શાવી છે, ત્યારે રાત્રિના સમયે શાત્રી મેદાનનું દૃશ્ય ચિંતાજનક હોવાનું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.