સ્ટેમ્પ ડયૂટી પેટે 5962 લાખ સરકારી તિજોરીમાં જમા થયા

ભુજ, તા. 7 : નાણાકીય વર્ષનો ધમધમાટ પૂર્ણ થઇ ચૂક્યો છે ત્યારે વિવિધ વિભાગો તેમને ફાળવાયેલા લક્ષ્યાંકની પૂર્તિ થઇ કે નહીં તે સહિતની બાબતનું આકલન કરી રહ્યા?છે, ત્યારે  જિલ્લામાં સ્ટેમ્પ ડયૂટી પેટે 5962.54 લાખની મોટી રકમ સરકારી તિજોરીમાં જમા કરવામાં આવી છે. કોરોનાને કારણે ઉદ્ભવેલી વિકટ સ્થિતિ છતાં દર વર્ષે જેટલી આવક સ્ટેમ્પ ડયૂટી પેટે થાય છે તેટલી મેળવવામાં સફળતા મળેલી દેખાઇ રહી છે. સ્ટેમ્પ ડયૂટીની આવકમાં મહત્તમ યોગદાન પોર્ટ ક્ષેત્રનું હોવાનું સત્તાવાર રીતે પ્રાપ્ત થયેલા આંકડા બોલી રહ્યા છે. સ્ટેમ્પ ડયૂટી વિભાગના નાયબ કલેક્ટર કે.સી. કોરડિયાએ આંકડાકીય વિગતો આપતાં કહ્યું કે, 2020-21ના નાણાકીય વર્ષ દરમિયાન વિભાગ દ્વારા 55,388 કેસનો નિકાલ કરી 5962.54 લાખની આવક સરકારી તિજોરીમાં જમા કરવામાં આવી છે. સ્ટેમ્પ ડયૂટી પેટે કલમ 32 (ક), કલમ 33, એજી, પીએસી, કલેક્ટરની જમીન, રેવેન્યૂ નોંધ, ખાણ-ખનિજ અને પોર્ટ પર આયાતી માલ સહિતની આવકનો સમાવેશ થાય છે.વિભાગવાર નજર કરીએ તો પોર્ટ પર આયાતી માલમાં સૌથી વધુ 54,202 કેસના નિકાલ સાથે 4197.61 લાખની આવક જમા થઇ છે. આ ઉપરાંત કલમ 32 (ક) તળે 16.21, કલમ  (33)માં (0.70) પીએસીમાં 9.11, કલેક્ટરની જમીનમાં 1075.80, રેવેન્યૂ નોંધમાં 22.05, ખાણ-ખનિજ પેટે 417.07 લાખની આવક જમા થઇ છે. કોરોનાને કારણે સ્ટેમ્પ ડયૂટીની આવકમાં ઘટાડો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવતી હતી, પણ જે આંકડા પ્રાપ્ત થયા છે તે જોતાં આવકમાં મોટો ફેર પડયો હોય તેવું દેખાતું નથી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer