મુંદરાની કેવડી નદીની જોખમી પાપડીનું કામ શરૂ કરવા ખાતરી

મુંદરા, તા. 7 : તાલુકા પંચાયતની સામાન્ય સભામાં નગરના પાદરેથી વહેતી કેવડી નદી ઉપરની પાપડી જોખમી બની છે જેથી પાપડી ઉપર પેચિંગ કરી, ભરતી કરી આપવાની રજૂઆત આવતાં એક અઠવાડિયામાં કામ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે. ઉપરાંત ભુજ જતા પ્રાગપર ચોકડી પાસે આવેલા નર્મદા પુલિયા ઉપરનું ડામર રોડનું કામ પણ તાત્કાલિક શરૂ કરવામાં આવશે તેવું જિલ્લા પંચાયતના સદસ્ય વિરમભાઇ વી. ગઢવીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે વાહનચાલકોને અત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તેનો ટૂંક સમયમાં અંત આવશે.જ્યારે તા.પં.ના પૂર્વ કારોબારી ચેરમેન જાડેજા નટવરસિંહ વજુભાએ ડે. ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ મુંદરાને એક પત્ર લખીને જણાવ્યું છે કે પ્રાગપુર રોડ પાસેની નર્મદા કેનાલ ઉપરનો જે પુલ બન્યો છે તે પુલ પરનો ડામર એકદમ ખરાબ થઇ ગયો છે અને ઠેકઠેકાણે ખાડા પડી ગયા છે. ઉપરાંત મુંદરાને જોડતા માર્ગો સમાઘોઘા, પ્રાગપર 1- પ્રાગપર 2-બરાયા-ભુજપુર સહિતના રસ્તાઓ સમારકામ માગે છે. આ રસ્તાઓ 2020ના ચોમાસામાં જર્જરિત બની ગયા છે પણ તંત્ર દ્વારા ધ્યાન અપાયું નથી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer