ભુજ જી.કે.ના ઇમરજન્સી વોર્ડમાં જ સાધન સજ્જતાનો અભાવ ?

ભુજ, તા. 7 : કેન્દ્ર સરકારની કચ્છને ભૂકંપની સૌથી મોટી ભેટ ગણાવાય છે અને રાજ્ય સરકારે જેને પીપીપી ધોરણે ભાગીદારીમાં અદાણી જૂથને સંચાલન માટે આપી છે એવી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ અને અત્યારે `ગેઇમ્સ' હોસ્પિટલમાં મંગળવારે રાત્રે ગંભીર હાલતમાં લઇ જવાયેલા કોરોના વોરિયર તરીકે જેમને સન્માન અપાય છે એવા હોમગાર્ડના એક યુવાનને ઇમરજન્સી વિભાગમાં 20-25 મિનિટ સુધી ડોક્ટરના અભાવે કોઇ સારવાર નહોતી મળી અને કટોકટીવાળા દર્દીને ખાસ જરૂરી હોય તેવા સાધન પણ બગડેલી હાલતમાં નીકળતા હોવાની ગંભીર બાબત સપાટી પર આવી છે.રાત્રે 108 દ્વારા સંભવિત હૃદયરોગના હુમલા બાદ હોસ્પિટલમાં  લઇ જનારા દર્દી મનિષ સોલંકીના મિત્ર-સંબંધીઓના આક્રોશ મુજબ કોઇ ઇમરજન્સી જેવી જગ્યાએ કોઇ તબીબ હાજર જ નહોતા ! આવ્યા પછી  સકશન મશીન લગાડયું તો આશ્ચર્ય વચ્ચે કામ નહોતું કર્યું, પછી બીજું ઉપરના માળેથી મગાવ્યું એય બગડેલું નીકળ્યું ! ઓક્સિજન લાઇનમાં લીકેજ દેખાયું ! દર્દી આવતાં તરત સારવાર મળવી જોઇએ તેને બદલે લાંબા સમય પછી વેન્ટીલેટર લગાડયું, પછી સીપીઆર-પમ્પીંગ અને શોક ટ્રીટમેન્ટ કરી, પરંતુ આ હોમગાર્ડ સેવકે વિદાય લીધી હતી. આ નજરે જોનારાઓના કહેવા મુજબ સીસીટીવી ફૂટેજમાં પણ કેટલાક સમયે સારવાર મળે તે દેખાશે. જે થવાનું હતું તે થઇ ગયું, પરંતુ ઇમરજન્સીમાં તાત્કાલિક તપાસ સાધન-સજ્જતા અને તબીબની 24ડ્ઢ7 હાજરી અનિવાર્ય હોય એ તંત્ર સમજે એવી  તેઓએ લાગણી વ્યકત કરી હતી. દરમ્યાન, આ ઘટના સંદર્ભે સુપરિન્ટેન્ડેન્ટ ડો. હીરાણીનો  સંપર્ક કરતાં તેમણે તપાસ કરવાની ખાતરી આપી હતી અને અધૂરાશો હશે તો દૂર કરવાના પગલાં લેવાશે એમ ઉમેર્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer