બાળકોનું શૈશવ મૂરઝાય નહીં તે માટે ગાંધીધામમાં ખાસ કાર્યક્રમ

ગાંધીધામ, તા. 7 : કોરોનાકાળમાં શિશુનું શૈશવ મૂરઝાઇ ન જાય તે માટે અહીંની સરસ્વતી શિશુમંદિર શાળા દ્વારા શિશુ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાકાળમાં શાળાઓ બંધ છે. ઓનલાઇન શિક્ષણનાં નામે બાળકોને મોબાઇલ આપી દેવામાં આવ્યા છે. એક માતા સો શિક્ષકની ગરજ સારે તે કહેવત મુજબ ઘર એ જ વિદ્યાલય બને તે આવશ્યક, અનિવાર્ય બની ગયું છે. અહીંની સરસ્વતી શિશુમંદિર શાળાના શિક્ષકોએ બાળકો માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઘરે કરાવી શકાય તે માટે વિવિધ વિષયોની સામગ્રી તૈયાર કરી છે. આ સામગ્રી માતાઓને  શિખવવા  અને બાળકો તેનો પ્રત્યક્ષ લાભ લઇ શકે તે માટે એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. તા. 8, 9 અને 10ના સવારે 9થી આ કાર્યક્રમ યોજાશે. ત્રણથી પાંચ વર્ષનાં બાળકોના સમગ્ર વિકાસ માટે 1000 જેટલી પ્રવૃત્તિઓ માતાઓ ઘરે કેવી રીતે આ પ્રકારે પ્રવૃત્તિ કરાવી શકે તે અંગે પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer