કચ્છનાં દરિયાઇ ક્ષેત્રે વિકાસની ભરતી; 77 હજાર કરોડનું રોકાણ

કચ્છનાં દરિયાઇ ક્ષેત્રે વિકાસની ભરતી; 77 હજાર કરોડનું રોકાણ
ગાંધીધામ, તા. 24 : ભારતના બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા આગામી 2જીથી 4થી માર્ચ દરમ્યાન યોજાઇ રહેલી મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2021 પહેલાં પશ્ચિમ કિનારાના મહાબંદર અને દેશમાં 12 વર્ષથી અવ્વલ અહીંના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટે રોકાણકારોને આકર્ષવા લીધેલી જહેમતને પગલે કુલે 77 હજારનું રોકાણ ખેંચી લાવવા તૈયારી થઇ ગઇ છે. આ આંકડો હજી પણ વધી શકે તેમ છે. આ પૈકી આજે ડીપીટી ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં  7668 કરોડના 10 એમ.ઓ.યુ. (કરાર) ઉપર સહી સિક્કા કરાયા હતા. આ કાર્યક્રમને  કચ્છ-ગુજરાત માટે ઐતિહાસિક ગણાવતાં ડીપીટી અધ્યક્ષ સંજય કે. મેહતાએ જણાવ્યું હતું કે, આજનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. દીનદયાળ (કંડલા) મહાબંદરના વિકાસની ભારે ઉજ્જવળ તક ઉભી થઇ છે. ગાંધીધામ સંકુલની સાથે સાથે સમગ્ર કચ્છનો જબ્બર વિકાસ થશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેરિટાઇમ સમિટનું ઉદ્ઘાટન થવાનું છે. આ સમિટમાં  વિશ્વના 20 દેશો સહભાગી થવાના છે. એવી જ રીતે ભારતના  10 સહભાગી રાજ્યો જોડાશે, જેમાં ગુજરાત પણ એક છે. વિશ્વ આખાની નજર આ સમિટ ઉપર રહેશે. ભારતના દરિયાઇ ક્ષેત્રના વિકાસની યોજના શું છે તે સૌ કોઇ જાણી શકશે. દરિયાઇ ક્ષેત્રે રોકાણકારોને આકર્ષવા આ સમિટ સાથે ઓનલાઇન માધ્યમ (વર્ચ્યુઅલી) જોડાવા ડીપીટી અધ્યક્ષે દેશના ઉદ્યોગપતિઓ, રોકાણકારોને  અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં તેમના હસ્તે ડીપીટી દ્વારા રોકાણકારોને આકર્ષવા તૈયાર કરાયેલા બ્રોશરનું અનાવરણ પણ કરાયું હતું. ડીપીટી સાથે અત્યાર સુધી કુલે અધધ એવા 77 હજાર કરોડના એમ.ઓ.યુ. નક્કી થયા છે. આ આંકડામાં હજુ 12,250 કરોડનો વધારો થઇ શકે છે તેવી વિગતો આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં અપાઇ હતી. મંત્રાલયના વિઝન-2025 અંતર્ગત દેશમાં ત્રણ મહાબંદરોનો મેગા પોર્ટ તરીકે વિકસાવવાનો નિર્ધાર કરાયો છે, તેમાં દીનદયાળ પોર્ટ પણ સામેલ છે. તુણા ટેકરા નજીક સેટેલાઇટ પોર્ટ ખડું કરતાં મલ્ટી પરપઝ કાર્ગો ટર્મિનલ તથા કન્ટેનર ટર્મિનલની યોજના હાથ ઉપર લેવાઇ છે. ડીપીટી બોર્ડમાં યોજના મંજૂર કરાઇ?હોવાની માહિતી પણ અપાઇ હતી. આજના કાર્યક્રમનું સંચાલન નાયબ સચિવ વાય. કે. સિંઘે સંભાળ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય ઇજનેર આર. મુર્ગદાસ સહિતના તમામ વિભાગીય વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer