માંડવી તાલુકા પંચાયતમાં `જૂથવાદ'' જ પરિબળ

માંડવી તાલુકા પંચાયતમાં `જૂથવાદ'' જ પરિબળ
દેવેન્દ્ર વ્યાસ દ્વારા-  માંડવી, તા. 24 : પોણા છ દાયકાઓના પંચાયતી રાજ્યશાસન દરમ્યાન આ તાલુકો આગવી તાસીર સાથે બળૂકો અને બોલકો રહ્યો છે. લગભગ અઢી દાયકાઓ લગી જૂની કોંગ્રેસનો અહીંની તાલુકા પંચાયત શાસન ઉપર એકાધિકાર રહ્યો. આ દરમ્યાન `સત્તર નંબર' સત્તામાં દોરવણી કેન્દ્ર તરીકે ઊપસતાં પરોક્ષ રીતે રાજકીય સત્તાવહન માટે શીર્ષસ્થ રહ્યો. આ પછીનો દોઢેક દાયકો રાજકીય સમીકરણોના બદલાવ સાથે જીવુભા કાર્યકાળ અને એ બાદ મહદ્દઅંશે `કમળ' શાસન બે -એક વર્ષના અપવાદ સિવાય બરકરાર છે. ગત ટર્મમાં 20 બેઠકોમાંથી 11 સીટો કોંગ્રેસ અંકે કરીને સિંગલ મજોરિટી સાથે સુકાન હસ્તગત કરેલું પરંતુ દલબદલના કારણે ભગવો ભાગ ભજવી ગયો. એ પહેલાં પ્રદેશ કક્ષાએ સુરેશભાઈ મહેતા, અનંતભાઈ દવેની જોડીનો દબદબો હોવાથી આ વિભાગ -વિસ્તાર- કચ્છમાં રાજકીય પરિપ્રેક્ષ્યમાં મહત્ત્વનું કેન્દ્રબિંદુ તરીકે ડંકો વગાડતો રહ્યો.- ભૌગોલિક પરિભાષામાં રાજકીય રંગ-રાગ : અબડાસા-મુંદરા-ભુજ અને નખત્રાણાની સીમાઓ સાથે હાથ મેળવતા આ તાલુકામાં 98 જેટલા ગામડાંઓ, 87 મહેસૂલી સેજાઓ, 74 ગ્રામ પંચાયતો સમાવિષ્ટ છે. ક્ષેત્રફળે 139113.14 ચો.કિ.મી. વિસ્તાર ગ્રામ્ય છે. ગ્રામ્ય આબાદી એક લાખ 49 હજાર 785 જેટલી છે. એક લાખ બાર હજાર છસો છૌંતેર ગ્રામ્ય મતદારોનો આંકડો છે. પાંચ વર્ષ પહેલાં યોજાયેલી સામાન્ય ચૂંટણી વેળાએ આ વિભાગની ચાર જિલ્લા પંચાયત બેઠકો પૈકી ત્રણમાં કમળ કરામત કરી ગયું હતું. જ્યારે એક ઉપર હાથ ઊંચો રહ્યો હતો. રાજકીય અપસેટ સર્જીને 20 પૈકી 11 બેઠકો પંજાની પકડમાં ઢળી હતી. એકની બહુમતી સાથે કોંગ્રેસ પક્ષે સત્તા હસ્તગત કરેલી, પરંતુ `દલબદલ'થકી ખુરશી બરકરાર, મહિલા અધ્યક્ષાએ ભગવાનો ખેસ અંગિકાર કરી લીધો અને સમીકરણો બદલાઈ ગયાં. જૂના જોગીઓ નેપથ્યમાં સરતા ગયા. નવી પેઢી સ્થાન લેતી ગઈ. સીમાંકનો બદલાયાં. બેઠકો વધી, તાલુકા પંચાયતની બાડા બેઠકમાં સૌથી વધુ (12) ગામો જ્યારે બિદડા-1 સીટ (વોર્ડ 1થી 12) તથા ગઢશીશા-2 બેઠકમાં વોર્ડ 1થી 9 અને ઘોડાલખ ગામનો સમાવેશ છે. તા.પં.ની બિદડા-2 (7812) સૌથી વધુ મતદારો અને નાના ભાડિયા (3441) સૌથી ઓછા મતદારોને ગોદમાં લીધાં છે. બિ.અ. (7), સામાન્ય મહિલા(7), સા.શૈ. પછાત વર્ગ (2), અનુ. જાતિ (3), અનુ. આદિ જાતિ (1) જેવું બેઠક વર્ગીકરણ જોતાં કોને કેવો પડકાર આપે છે તે સમય બતાવશે. - બેઠકવાર તાસીર અને તસવીર : 136 મતદાન મથકો : બિદડા-1 (4827) અને બિદડા-2 (7812) મતદારો છે.  ગત વેળાએ આ બંને બેઠકો `હાથ' એ હસ્તગત કરી હતી. જો કે, આ વિભાગની જિ.પં. બેઠક ઉપર કમળ ખીલ્યું હતું. દરબાર, કડવા પાટીદારો, સંઘાર, લઘુમતી, અત્યંજ, લેવા પટેલ, જૈન, બ્રાહ્મણો આ સીટો ઉપર બાહુલ્ય ધરાવે છે. આ બંને બેઠકો ઉપર ત્રિપાંખિયો જંગ ખેલાયો છે.નાના ભાડિયા (3441), ગુંદિયાળી (5691) અને બાગ (7344) મતદારો કોને વરમાળા આરોપે છે તે જોવાનું રહ્યું. નાના ભાડિયા અને બાગ બેઠક ઉપર ગત વેળાએ કમળ ખીલ્યું હતું. બાગ અને ગુંદિયાળી સીટ ઉપર ત્રિકોણી સંગ્રામ મંડાયો છે. શેરડી (4870) બેઠક ઉપર ગઇ વેળાએ કમળ ખીલ્યું હતું. જ્યારે દરશડી (5258), નાની વિરાણી (5781) અને રામપર-વેકરા (5922) અને તલવાણા (5405) બેઠકો ઉપર પંજાએ તરાપ મારેલી. નાની વિરાણી સીટ ઉપર તા.પં. પ્રમુખ પદે રહેલા ભાજપના ચંદુલાલ વાડિયા પરાજિત થતાં મોટો અપસેટ સર્જાયો હતો. પાટીદાર, અનુ.જાતિ મતદાતા, લઘુમતી,  ક્ષત્રિય ભાગ્ય વિધાતાઓ આ વખતે કેવો રંગ બતાવે છે તે કાળના ગર્ભમાં છે. તલવાણા બેઠક ઉપર ભાજપ ગોત્રના ક્ષત્રિય ઉમેદવાર બેટ લઇને ચારકોણીય જંગમાં ઊતરતાં બે દરબાર વચ્ચેના મેદાની જંગમાં  લઘુમતી ઉમેદવારનો પંજો કેવું કાઠું કાઢે છે તેનો ક્યાસ મંડાઇ રહ્યો છે. અહીં એક અત્યંજ ઉમેદવારે ખાટલો ઊભો કરી જંગમાં ઝુકાવ્યું છે. શેરડી બેઠક પરંપરાગત ભાજપની મનાઇ છે, પરંતુ આ વખતના ચાર ખૂણાના રણસંગ્રામમાં  કારોબારી સમિતિના  પૂર્વ ચેરમેન સામે  તા. કોંગ્રેસના મહામંત્રીએ હાથ લડાવ્યો છે. બંને દરબારોની ચુનાવી રંગમાં સ્થાનિક સંઘાર ઉમેદવાર અને અનુ.જાતિ સ્પર્ધા પણ સામે છે. આઠ ગામોના મત ક્ષેત્રમાં દરબાર (1141), લઘુમતી (679) અને સંઘાર (665)નું બાહુલ્ય કોને ફળે છે તે સમય કહેશે. દરશડી બેઠક ઉપર ભાજપનું ક્ષત્રિય બળૂકું માથું ચાર ખૂણાના મેદાની જંગમાં છે. વિહંગાવલોકનમાં દરશડીમાં કમળનો ઝુકાવ કહેવાય છે. રામપરમાં બંને  પાટીદાર મહિલાઓ સીધા ખરાખરીના ખેલમાં છે. દરશડીમાં લઘુમતી (1220), ક્ષત્રિય (10204), અ.જા. (799), પાટીદાર (424) જ્યારે રામપર ઉપર લઘુમતી (1006), ક્ષત્રિય (600), લેવા પટેલ (2333), અ.જા. (544) સાથે ઇત્તર મતદારો છે. આ વિભાગમાં કોડાય (590) અને કાઠડા (5981) બેઠક ગત ચુનાવમાં કમળને ફળી હતી, જ્યારે દુર્ગાપુર (6383), મોટી રાયણ (7116) અને ગોધરા (5360) ઉપર પંજો કામણ કરી ગયો હતો. મોટી રાયણ, કોડાય, ગોધરા બેઠકે સીધો જંગ કમળ અને પંજા વચ્ચે યોજાયો છે. કાઠડામાં ત્રણ ચારણો ચાસ પાડી રહ્યા છે. દુર્ગાપુરમાં ત્રણ અનુ.જાતિ મહિલાઓ વચ્ચે મુકાબલો છે. દુર્ગાપુર સીટ ઉપર 1762 લઘુમતી, 1175 અ.જા., 1550 કરતાં વધારે પાટીદાર સહિત ઇત્તર મતદારો છે. કાઠડામાં 1539 લઘુમતી, 1632 ચારણ, 711 લેવા પટેલ, 600 અ.જા., 614 ભાનુશાલી પ્રમુખ મતદારો છે. કોડાય બેઠકે 1249 લઘુમતી, પાટીદારો 1500, 641 અ.જા., 284 ચારણ પ્રમુખ મતદાર જ્ઞાતિજનો છે. ગોધરામાં 1200 લઘુમતી, 762 અ.જા., 750 પાટીદારો, 470 ચારણનું બાહુલ્ય છે. મોટી રાયણ સીટ ઉપર લઘુમતી (1314), અ.જા. (1265), પાટીદારો (2200 પ્લસ), ચારણ (263), બ્રાહ્મણ (418) પ્રમુખ જાણવા મળ્યા હતા. ગઢશીશા-1 (4940), ગઢશીશા-2 (4882), મોટી મઉં (5266), બાડા (4629), બાયઠ (5860) મતદારો છે.  ગઢમાં 2700 કરતાં વધારે પાટીદારો, 1750 કરતાં વધારે લઘુમતી, છસો પ્લસ ક્ષત્રિય, 1400 પ્લસ અ.જા. પ્રમુખ મતદારો છે. બાયઠ સીટ ઉપર 1699 લઘુમતી, 966 અ.જા., છસો પાટીદારો, 550 ચારણો, 954 ક્ષત્રિયો સાથે  ઇત્તર જ્ઞાતિ અને બાડા બેઠક ઉપર 1398 ચારણ, 514 લઘુમતી, 446 અ.જા., 340 પાટીદાર, અઢીસો આસપાસ ક્ષત્રિય અને ઇત્તર જ્ઞાતિ મતદાતાઓ છે. ગત વેળાએ ગઢશીશા-1 અને 2, બાડા અને બાયઠ બેઠકો ઉપર ભાજપાએ આણ વર્તાવેલી જ્યારે એકમાત્ર મોટી મઉં (5266) પંજાની હથેળીમાં પડી હતી. મોટી મઉં બેઠક ઉપર 1349 અ.જા., 1100 દરબારો, 885 લઘુમતી, 400 ચારણો પ્રમુખ મતદારો છે. ગઢશીશા-1 અને 2, મોટી મઉં, બાયઠ અને બાડા બેઠકો ઉપર કમળની પાંખડીઓ અને પંજાની આંગળીઓ વચ્ચે સીધી ખરાખરીની લડાઇ છે. આ બેઠકો ઉપર ખાસ નવા-જૂની ન થાય તો કમળનું પલડું નમતું જોવાય છે. - પ્રતિ પક્ષને પરાભવ ચખાડવાના દાવા : તાલુકા ભાજપના પ્રમુખ સુરેશભાઇ વલ્લમજી સંઘારે તાલુકા પંચાયત ઉપર ભગવો લહેરાશે એવો રણટંકાર કરતાં અપૂર્વ વિકાસ કામો અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપી રાજ્ય સરકાર, જિલ્લા પંચાયત અને પ્રજા પ્રતિનિધિઓ તરીકે સાંસદ વિનોદભાઇ ચાવડા તથા ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની વિશેષ માવજત દ્વારા મીઠાં ફળ આગળ ધર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કરિશ્મા અને વિકાસ મંત્ર ઉપરાંત યોગાનુયોગ બિદડા જેવી મોટી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પોતાની જાગૃતિ અને સમિતિ યોગદાનને જનતા જાણે છે, પીછાણે છે. તેઓએ પરંપરાગત રીતે પાંચેક ટર્મથી જિલ્લા પંચાયત પણ આરામથી અંકે કરી?શકાશે એવી શ્રદ્ધા પ્રદર્શિત કરી હતી. તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને ગુંદિયાળી તા.પં. બેઠક ઉપર ચૂંટણી લડી રહેલા ખેરાજ રાગે તાલુકા પંચાયત ઉપર વિજયી રહેવાનો દાવો કરતાં આક્ષેપ કર્યો હતો કે, ખેડૂતો પરેશાન છે. નર્મદા નહેરના  કામો હજુ અધૂરાં પડયા છે. મોંઘવારીને લીધે મધ્યમવર્ગ બેહાલ છે. ખનિજચોરીના નામે કિસાનોને  કનડગત કરાતાં અને પરિવર્તન તરફનો જનતાનો ઝોક જોતાં `થમ્પિંગ વિકટરી' સાથે ભાજપને પરાસ્ત કરાશે. કસ્ટેડિયલ ડેથનો મામલો : મુંદરા અને માંડવી તાલુકાને જોડતા સમાઘોઘા ગામે બે ગઢવી યુવાનોનાં પોલીસ કસ્ટડીમાં થયેલા મોતનો મામલો અને તેના પગલે આવેલી ગરમી તેમજ ચૂંટણી બહિષ્કાર સહિતની ચીમકીઓ થકી ભાજપ માટે માંડવીમાં ગઢવી વસતીવાળા વિસ્તારોમાં વિજય વાવટો ફરકાવવામાં સામાપૂરે તરવા જેવું થાય તેવું જાણકારો કહે છે. જો કે કસ્ટોડિયલ ડેથને રાજકીય રૂપ નથી મળ્યું. સમાજ પ્રમુખે પણ કોંગ્રેસમાંથી આજ મુદ્દે રાજીનામું આપી દીધું છે તેથી હવે કોંગ્રેસ માટે કોરો ચેક સાબિત થાય તેવું આ પ્રકરણ પક્ષ કઇ રીતે વટાવે છે તેના પર અવલંબે છે. આરોપીની ધરપકડ બાકી હોવાથી સમાજમાં એક `ખટકો' છે એ તો સર્વવિદિત છે જ. બીજી બાજુ રાજકારણના નાડ પારખુ તટસ્થ વર્તુળોએ મોદી લહેર, રામમંદિર, સમતુલિત વિકાસ કામો, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે `કોરોના'ની મહામારી વચ્ચે ન.મો. નેતૃત્વ વાળી સરકાર દ્વારા ઝિલાયેલા પડકારો, નવ માસ લગી 80 કરોડ લોકોને  વિનામૂલ્યે રાશનકિટ વિતરણ વગેરે સામે કોંગ્રેસનું કથિત વામણું નેતૃત્વ, ભ્રષ્ટ ભૂતકાલીન શાસન મુકાબલામાં પાછું પડશે.- તાલુકા પંચાયત કચેરી નિર્માણ : સ્વપ્ન સાકાર : વીતેલા સત્ર દરમ્યાન નમૂનેદાર અને વિશાળ એવું નૂતન તાલુકા પંચાયત સંકુલ નિર્માણ એ ભાજપ શાસનની નેત્રદીપક સિદ્ધિ તરીકે  જોવાય છે. પાંચ વર્ષો દરમ્યાન 57 કરોડ 32 લાખ 90 હજાર નવસો 72 જેટલા વિકાસ ખર્ચા અને તે અંતર્ગત 3459 જેટલાં વિકાસકામો - પ્રકલ્પો સાકાર કરાયા હોવાનો દાવો નાણાકીય કોષ્ટક સાથે આગળ કરાયો હતો.- માંડવી તાલુકાની ચાર જિલ્લા પંચાયતોનું વિહંગાવલોકન : માંડવી, તા. 23 : તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા પંચાયતની ચાર બેઠકો પૈકી કોડાયની મહિલા અનામત બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો મુકરર છે. એક લાખ બાર હજાર છસો છૌંતેર મતદાતાઓમાં સૌથી વધારે કોડાય સીટ (30748) જ્યારે લઘુતમ આંકડે ગઢશીશા બેઠક (25577) જાણવા મળી હતી. રોટેશન પ્રમાણે ચારેય બેઠકો એક યા બીજા પરિપ્રેક્ષ્યમાં અનામત વર્ગમાં મુકાતાં પહેલીવાર બિનઅનામત એક પણ બેઠક નથી. બિદડાની જિ.પં. બેઠક સામા. શૈ. પછાત વર્ગ માટે રિઝર્વ છે. અહીં ભાજપા સામે કોંગ્રેસનો પંજો અને બસપનો હાથી ત્રિપાંખિયા મેદાનમાં છે. લગભગ બે દાયકાઓથી આ બેઠક ભાજપની ઝોળીમાં ઝિલાતી રહી છે. આ મતક્ષેત્રમાં સમાવિષ્ટ તા.પંની પાંચ બેઠકો પૈકી ગત ચૂંટણીમાં ત્રણમાં કમળ મૂરઝાયું હતું. આ વખતે કમળ મજબૂત મનાય છે. અહીં 29115 મતદારો ભાવિ નક્કી કરશે. તલવાણા જિ.પં. બેઠક અનુ. જાતિ અનામત બેઠક ઉપર ચારકોણિયા મેદાનમાં હાથી અને ખાટલો (બહુજન મોરચો) નસીબ અજમાવી રહ્યા છે. ગત વેળાએ અહીં કોંગ્રેસનો ખોળો ભરાયો હતો. અહીં 27236 મતદાતાઓ ભાગ્યવિધાતા બની રહ્યા છે. આ તા.પં. બેઠકના પરિઘમાં આવતી પાંચ બેઠકો પૈકી શેરડીને બાદ કરતાં બાકીની ચારેય ઉપર કમળ કરમાઇ ગયું હતું. કોડાય સામાન્ય મહિલા અનામત સીટના સીધા સંગ્રામ માટે સૌથી વધુ (30748) ભાગ્ય લખનારાઓ મતદાર યાદીમાં જાણવા મળ્યા હતા. ગત સત્રમાં આ બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયો હતો. જો કે પાંચ પૈકી ત્રણ સીટો ઉપર `હાથ' ઉપર રહ્યો હતો. ગઢશીશા જિ.પં. બેઠકની ત્રિકોણીય સ્પર્ધા અનુ. આદિજાતિ ત્રી માટે અનામત હોવાથી રંગત જોવાઇ રહી છે. 25577 મતદારોને સમાવતી સીટ ઉપર બહુજન મુક્તિ મોરચાનો ખાટલો કિસ્મતના પારખાં કરી રહ્યો છે. ગત વેળાએ પાંચ પૈકીની ચાર તા.પં. બેઠકો ઉપર ભગવો છવાયો હતો. એક તા.પં. બેઠક (મોટી મઉં) કોંગ્રેસે કબ્જે કરી હતી. જો કે ગઢશીશા જિ.પં. બેઠક ઉપર ગત સત્રમાં કમળ બિરાજમાન રહ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer