મુંદરા પંથકમાં `નિર્ણાયક'' મતદારો `હેડિયા-હોડિયા'' પરિણામ માટે સક્ષમ

મુંદરા પંથકમાં `નિર્ણાયક'' મતદારો `હેડિયા-હોડિયા'' પરિણામ માટે સક્ષમ
પ્રફુલ્લ ગજરા દ્વારા-  ભુજ, તા. 24 : દાયકાઓ પૂર્વે મહેશ્વરી સમાજના ધર્મગુરુ મામૈદેવ દ્વારા કરાયેલી ઉક્તિ `કંઠી જી વાટ થીંધી પોળી' અનુસાર બંદરીય વિકાસની પ્રક્રિયાને લઇને જેટ-ઝડપી વિકાસનાં ફળ જ્યાં મળ્યાં છે તેવા મુંદરા તાલુકાના વિસ્તારમાં પહોળી થયેલી વાટું ઉપર વિકાસનું આવરણ પાથરીને રાજકીય પક્ષોની ગાડીઓ સડસડાટ દોડી રહી છે. ગ્રામ પંચાયતથી પાર્લામેન્ટ સુધી ચોમેર કેસરિયા રાજકીય માહોલ વચ્ચેના આ સિનારિયામાં કચ્છના કંઠીપટ્ટ તળે આવતા આ `કસદાર' તાલુકામાં સડસડાટ દોડતી રાજકીય ગાડીઓ માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સમયે જ `કસ્ટોડિયલ ડેથ'નાં સ્વરૂપમાં મોટો કહી શકાય તેવો `બમ્પ' આવી ચડયો છે. જેને લઇને રાજકીય પક્ષોને `બ્રેક' લાગે કે `બ્રેક' મળે તેવું વાતાવરણ જામ્યું છે. કસ્ટોડિયલ ડેથનો કિસ્સો જે સમાજના યુવાનો સાથે બન્યો છે તે ગઢવી-ચારણ સમાજના નોંધપાત્ર કહી શકાય તેટલા મતદારોને લઇને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓનાં પરિણામ `હેડિયા, હોડિયા' થઇ જવાની ગણતરીઓ રાજકીય પંડિતો માંડી રહ્યા છે.  મુંદરા નગરને નગરપાલિકાનો દરજ્જોઁ મળવા સાથે નવા કરાયેલાં સીમાંકન મુજબ આ તાલુકાની ચાર પૈકીની જિલ્લા પંચાયતની મુંદરા બેઠક નીકળી ગઇ છે અને તેના સ્થાને સમાઘોઘાની નવી બેઠકનો ઉદય થયો છે તો 20 બેઠક ધરાવતી આ તાલુકાની પંચાયતમાંથી મુંદરા અને બારોઇને સંલગ્ન પાંચ બેઠક નીકળી જતાં અને ઝરપરા-2, સાડાઉ અને લાખાપરની નવી બેઠકો મળતાં હવે તાલુકા પંચાયતની 18 બેઠક રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનો જંગ મુખ્ય બે રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો ફાઇટ ટુ ફિનિશ બની રહેશે. જિલ્લા પંચાયતની ભુજપુર, ભદ્રેશ્વર, સમાઘોઘા અને નાના કપાયા બેઠક ઉપર બંને પક્ષના ચાર-ચાર મળી આઠ ઉમેદવાર તથા તાલુકા પંચાયતની 18 બેઠકમાં એકમાત્ર પત્રી બેઠક ઉપર એક અપક્ષની દાવેદારી સાથે કુલ 37 ઉમેદવાર અંતિમચિત્ર મુજબ મેદાનમાં રહ્યા છે. 28મીએ યોજાનારાં મતદાન અને આ ચૂંટણીને લઇને અગાઉ જોવા મળતો હતો તેવો ઝાકઝમાળ સાથેનો માહોલ ભલે જોવા મળતો નથી, પણ અંતિમ દિવસોમાં આ ગતિવિધિઓ ચરમસીમાએ પહોંચે તેવું લાગી રહ્યું છે. સત્તાપક્ષ ભાજપ અને ઉભયપક્ષ કોંગ્રેસ દ્વારા અગાઉ ચૂંટણી લડયા હોય તેવા બે-ત્રણ જણને જ આ રાજકીય જંગના મેદાનમાં ઉતાર્યા છે. મંગળવારે કચ્છમિત્રની ટીમએ જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી અન્વયે કરેલાં મુંદરા વિસ્તારનાં પરિભ્રમણમાં સપાટીએ આવેલી વિગતો મુજબ સત્તાપક્ષ ભાજપ છેલ્લા બે-અઢી દાયકાથી થઇ રહેલા વિકાસ ઉપરાંત ગ્રામ પંચાયતોથી ધારાસભ્ય સુધીના પદ ઉપર પક્ષનું પ્રભુત્વ, સાંસદ અને ધારાસભ્યની સક્રિયતા તથા લોકોની સમસ્યાઓમાં ઘટાડો થવા સહિતના મુદ્દા પક્ષ માટે ફરી એકવાર વિજયપથ કંડારશે તેમ કહે છે તો સામાપક્ષેથી કોંગ્રેસ વિકાસને વાહિયાત લેખાવી વિકાસ જેનો થયો છે તેનો જ થયો છે તેવા વાર સાથે ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારી ન મળવી ઉપરાંત લોકોના રોજબરોજના પ્રશ્નો ન ઉકેલાવા સહિતના મુદ્દા આગળ ધરીને એન્ટિ ઇન્કમ્બન્સી ફાયદેમંદ રહેવાની ધારણા રાખે છે. જ્યારે વર્તમાન સમયમાં બહુ ગાજેલા અને ચૂંટણી માટે મહત્ત્વના સાબિત થઇ શકે તેવા કસ્ટોડિયલ ડેથ મામલાને બંને મુખ્ય રાજકીય પક્ષ તેમની રીતે મૂલવી રહ્યા છે. - જ્ઞાતિવાર સમીકરણો  : નાનાં-મોટાં 58 ગામ, બે ઢુવા અને મહેસૂલી દફતરે જેની ક્યાંય નોંધ નથી છતાં જ્યાં મતદાર છે તેવા સુખપર ટિંબાના વિસ્તારને આવરી લેતા મુંદરા તાલુકામાં જ્ઞાતિવાર સમીકરણો મહત્ત્વનાં છે. કુલ મતદારો પૈકી લઘુમતી સમુદાયના 21,300 જેટલા મતદારો ઉપરાંત અનુ.જાતિ, ગઢવી-ચારણ અને રાજપૂત (ક્ષત્રિય) મતદારોની નોંધનીય સંખ્યા પણ મહત્ત્વની છે તો ઔદ્યોગિક એકમો થકી જિલ્લા અને રાજ્ય બહારથી આ વિસ્તારમાં સ્થાયી થયેલા લોકોના મતની સંખ્યા પણ સારી એવી છે. - સરવાળે હજુ સુસ્ત માહોલ  : જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઇને સામાન્ય રીતે જોવા મળતો દોડધામવાળો માહોલ હજુ જામ્યો નથી. અલબત્ત ફિલ્ડ નાનું હોવાના લીધે પક્ષ અને ઉમેદવારો પોકેટ બેઠક, વ્યક્તિગત સંપર્ક અને ડોર ટુ ડોરને વધુ પ્રાધાન્ય આપતા જોવા મળી રહ્યા છે. જિલ્લા પંચાયતની ચારેય બેઠકના ગામમાં બંને પક્ષે કાર્યાલય શરૂ કરીને ધજાપતાકા પણ લગાવ્યા છે. સરવાળે સુસ્ત દેખાતો આ સિનારીયો મતદાન સમય નજીક આવવા સાથે જામે તેવું લાગી રહ્યું છે. હાલ તુરત તો સામાન્ય મતદાર ચૂંટણી તો આવે ને જાય માફક સરાસરી નીરસ જોવા મળી રહ્યો છે અને દોડધામ રાજકીય માથાંઓ પૂરતી જ જાણે સીમિત જોવા મળી રહી છે. - છસરા-કપાયા આપશે પ્રમુખ  : અઢાર બેઠકવાળી મુંદરા તાલુકા પંચાયતના નવા બનનારા પ્રમુખનું પદ બક્ષીપંચ મહિલા માટે પ્રથમ અઢી વર્ષ મુકરર કરાયું છે. આ મુજબ નવા મહિલા પ્રમુખ છસરા અને નાના કપાયા-2 બેઠક ઉપરથી જીતનાર સ્ત્રી ઉમેદવાર પૈકી બનશે. બંને પક્ષે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા અનુક્રમે રાણીબેન ચેતન ચાવડા અને પુરીબેન મહાદેવા ઝરૂ તથા રઝિયાબાઇ અબ્દુલ્લરશીદ તુર્ક અને સુગરાબાઇ અદ્રેમાન તુર્કને મેદાનમાં ઉતારેલાં છે. નવા તાલુકા પંચાયત પ્રમુખનો તાજ આ ચાર મહિલા ઉમેદવાર પૈકી કોઇ એકના શિરે રહેશે. - આગેવાનો સાથે ગુફતેગુ  : પ્રવાસ દરમ્યાન મુંદરા ખાતે મળેલા તાલુકા ભાજપના અધ્યક્ષ ધારાશાત્રી વિશ્રામભાઇ ગઢવી અને મહામંત્રી કીર્તિભાઇ ગોર જિલ્લા પંચાયતની તમામ ચાર અને તાલુકા પંચાયતની 12થી 14 બેઠક ઉપર વિજયી થવાનો દાવો કરતા આ માટે અગાઉના પરિણામો, વિકાસનાં થયેલાં કામો, લોકોની સમસ્યામાં ઘટાડો અને ખાસ કરીને કોરોનાકાળમાં પક્ષની કાર્યવાહીને નિમિત્ત લેખાવી રહ્યા છે. યુવાવયના મતદારોની સંખ્યામાં વધારાને પક્ષ માટે મહત્ત્વનું પાસું ગણાવતા ચૂંટણીની બાગડોર સંભાળતા આ બંને આગેવાનો હરીફોના આરોપને નકારતા જણાવે છે કે ઉદ્યોગોમાં રોજગારી નથી મળી એવું નથી, પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી મળી જ છે તો કસ્ટોડિયલ ડેથના મામલે તેમણે ઉમેર્યું હતું કે, ભાજપ ગઢવી-ચારણ સમાજની સાથે જ હતો, છે અને રહેશે. આ સામાજિક મુદ્દો છે અને તે માટે પક્ષે યોગ્ય કાર્યવાહી અત્યાર સુધી કરાવી છે. વિશ્રામભાઇ અને કીર્તિભાઇએ કબૂલ્યું હતું કે સીમાંકન ફેરફાર થોડી વારીફેરી કરી શકે તેમ છે. - વાત કોંગ્રેસી આગેવાનોની  : જ્યારે મુંદરા તાલુકા કોંગ્રેસના અધ્યક્ષ અને ભુજપુર જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર ચંદુભા અગરસંગ જાડેજા જણાવે છે કે વર્તમાન સમયમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારી સહિતની સ્થિતિ સામાન્ય મતદારો માટે ત્રાસરૂપ બની છે. ખેડૂત અને વેપારી વર્ગ પણ પરેશાન છે તેવા સમયે તેનો પડઘો આ ચૂંટણીમાં સત્તાપક્ષની વિરુદ્ધમાં પડશે. કોંગ્રેસે સ્વચ્છ અને વફાદારીની છબીવાળા પસંદ કરેલા ઉમેદવારો પણ મહત્ત્વના બની રહેવા સાથે તેમણે મહાપાલિકાનાં પરિણામો ઇ.વી.એમ. કમાલ ગણાવી બેલેટ પેપર મતદાનની હિમાયત કરી હતી. કસ્ટોડિયલ ડેથમાં પોલીસ બેફામ બન્યાનું જણાવી ચંદુભાએ માનવતા અને કાયદાની રીતે ચાલવાનું કહી કોંગ્રેસ ગઢવી-ચારણ સમાજની સાથે જ હોવાનું કહ્યું હતું. જ્યારે કોંગ્રેસના જિલ્લા ઉપાધ્યક્ષ અને 2017માં વિધાનસભા લડી ચૂકેલા આગેવાન અખિલ કચ્છ મહેશ્વરી સમાજના અધ્યક્ષ કિશોરભાઇ પિંગોલ જણાવે છે કે, લોકહિતનાં કામો સતત કર્યાં છે અને કરતા રહેશું. ભાજપની તોડજોડ સાથેની નીતિ લોકશાહીના બદલે પાર્ટીહિતની હોવાનો આરોપ મૂકતાં તેમણે સસ્તાં શિક્ષણ અને પાયાનાં કામો થવાં જોઇએ. કસ્ટોડિયલ ડેથના મામલા માટે પણ ભાજપની નીતિ જવાબદાર હોવાનો તેમણે આરોપ મૂક્યો હતો. - જિ.પં. ઉમેદવારો શું કહે છે ? : જિલ્લા પંચાયતની ભુજપુર બેઠકના ભાજપી ઉમેદવાર મહેન્દ્રભાઇ નારાણ ગઢવી અને નાના કપાયા બેઠકના ઉમેદવાર વિરમભાઇ વિશ્રામ ગઢવીએ ઝરપરા ગામે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, પક્ષના કાર્યકર્તાઓનાં બળ ઉપર તથા સાંસદ અને ધારાસભ્યની સક્રિયતા ઉપરાંત વિકાસનાં કામો અને લોકોના પ્રશ્નો ઉકેલવાની કાર્યવાહીના આધારે ચૂંટણી લડી રહ્યા છીએ. તેમણે ખેડૂતો અને પશુપાલકોને સહાય-વળતર સહિતના મુદ્દા પણ આવરી લીધા હતા. રાજપૂત (ક્ષત્રિય), ચારણ-ગઢવી, લઘુમતી અને અનુ.જાતિના મુખ્ય મતદારોવાળી 14,958 મતદાતાવાળી ભુજપુર બેઠક 2,500 મતે અને કપાયા બેઠક પણ નિશ્ચિત જીતવાનો દાવો કરતા કસ્ટોડિયલ ડેથ સહિતના કોઇ મામલે ભાજપ વિરોધી સૂર ન હોવાનું તેમણે ઉમેર્યું હતું. જ્યારે ભુજપુર જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર દેવરાજ ખીમરાજ સાંખરા એવું કહે છે કે, સ્થાનિકોને રોજગારી ન મળવી, મોંઘું બનેલું શિક્ષણ, ધાર્યાં કામો ન થવા જેવા મુદ્દા અસરકર્તા બનશે તો પોતાની વ્યક્તિગત કામગીરી પણ સારું પરિણામ લાવનારી બનશે. યુવાકાળથી રાજકારણમાં સક્રિય સાથે જાગૃત રહેલા દેવરાજભાઇ ઉમેરે છે કે, કસ્ટોડિયલ ડેથમાં સત્તાપક્ષ યોગ્ય સમયે બોલ્યો નથી એટલે આ મામલો ચૂંટણીમાં ટર્નિંગ પોઇન્ટ બની રહેશે. ભદ્રેશ્વર જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર કૈલાસબા પ્રદ્યુમનાસિંહ જાડેજા ચોક્કસ જીતનો દાવો કરતા આ માટે પક્ષનાં વિકાસકામો, પોતાના પરિવારની વ્યક્તિગત અને જૂથવાદથી પર ઇમેજ, પતિ પ્રદ્યુમનાસિંહ જાડેજાની કામગીરી સહિતનાં પરિબળોને નિમિત્ત બતાવી રહ્યાં છે. જ્યારે ભદ્રેશ્વર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નીતાબા ભૂપેન્દ્રાસિંહ જાડેજા જણાવે છે કે, વિકાસની વાતો બધી વાહિયાત છે, લોકોના રોજિંદા પ્રશ્નો હજુયે કાયમ છે, જે અસરકર્તા બનશે. પતિ ભૂપેન્દ્રાસિંહ જાડેજા અને સસરા આણંદાસિંહ ઉર્ફે આણદુભાએ કરેલાં સામાજિક અને રાજકીય કાર્યો તથા દરેક સમાજ સાથેનું જોડાણ ચૂંટણીમાં ભાથું બની રહેવાનું કહેતાં તેમણે ભવિષ્યમાં ખનિજચોરી અને કંપનીઓના પ્રદૂષણ સામે અવાજ ઉઠાવવાની ખાતરી આપી હતી.  બીજીબાજુ સમાઘોઘા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મીબેન ભચુભાઇ પિંગોળ મુલાકાતમાં જણાવે છે કે, સામાજિક કાર્યકર્તા અને સારાં કાર્યો કરનારા પરિવારના સભ્યની રૂએ ટિકિટ માટે પસંદગી કરાઇ છે, તેમાં તેઓ વિજયી બનવા સાથે ખરા ઉતરશે. ચૂંટાયા બાદ દરેક સમાજને સાથે રાખીને સ્વચ્છ અને ભ્રષ્ટાચારમુક્ત કાર્યો કરવાની તેમણે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જ્યારે સમાઘોઘા જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર લક્ષ્મીબેન દેવશીભાઇ પાતાળિયા કહે છે કે, એકદમ સારો માહોલ છે, જેથી જીત નિશ્ચિત છે. ગ્રામ્ય સ્તરના લોકો માટે અમલી બનાવાયેલી સરકારી યોજનાઓનો લોકોને લાભ, ઇમેજ જીતના ઘડવૈયા બનશે.  - લઘુમતી મતદારો નિર્ણાયક : તોડજોડ નુકસાનકર્તા : સલીમ જત : મુંદરા વિસ્તાર માટે લઘુમતી સમુદાયના મતદારો હંમેશાં મહત્ત્વનું પરિબળ અને નિર્ણાયક છે, પણ તોડજોડની નીતિ નુકસાનકર્તા સાબિત થઇ રહી છે તેવો મત લઘુમતી સમાજના અને આ વિસ્તારના આગેવાન હાજી સલીમભાઇ જતે વ્યક્ત કર્યો હતો. ગત ટર્મમાં એકમાત્ર જિલ્લા પંચાયત કોંગ્રેસને મળી હતી જે બેઠક ઉપર વિજયી બનેલા શ્રી જત હાલે તાલુકા અને નગરપાલિકાની લઘુમતી વર્ચસ્વવાળી બેઠકોની બાગડોર સંભાળી રહ્યા છે. મુંદરા તાલુકા મુસ્લિમ સમાજના અધ્યક્ષ એવા હાજી સલીમભાઇ વધુમાં કહે છે કે, વર્તમાન સમયના હોટ ઇસ્યુ કસ્ટોડિયલ ડેથને તમામ સમાજે વખોડી કાઢયો છે એટલે તેનો પડઘો જરૂર પડશે જ. (સહયોગ : અશ્વિન ઝિંઝુવાડિયા- મુંદરા, કિરીટ સોની-ભુજપુર) 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer