મુંદરાની નવોદિત સુધરાઇમાં સત્તાનો માણેકથંભ કોણ રોપશે ?

મુંદરાની નવોદિત સુધરાઇમાં સત્તાનો માણેકથંભ કોણ રોપશે ?
અશ્વિન ઝિંઝુવાડિયા દ્વારા-  મુંદરા, તા. 24 : પ્રથમ વખત યોજાનારી મુંદરા-બારોઇ નગરપાલિકાની ચૂંટણીમાં મુખ્ય બંને રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાડયું છે. રસ્તામાં આપ અને અપક્ષનાં સ્પીડબ્રેકર તો છે જ. મુંદરા અને બારોઇના ગ્રામવાસીઓનું એક સ્વપ્ન હતું કે, નગરપાલિકા મળે. આ સ્વપ્ન સાકાર તો થયું છે. વધુ સત્તા અને વધુ ગ્રાન્ટ મળશે તેવી બંને ગ્રામ્ય વિસ્તારના લોકોને આશા છે. મુંદરાને નેટ ઉપર સર્ચ કરવાથી બંદર અને નજીકના પરિસરના ફોર કે એઇટ ટ્રેક રસ્તાઓ જોઇ જો કોઇ મુંદરા સ્થાનિકે આવે તો તેની કલ્પના કરતાં કાંઇક જુદું જ ચિત્ર જોવા મળે. ટ્રાફિક અને સફાઇની સમસ્યા, લડતા ઝઘડતા આખલા અને રખડતી ગાયો એ જીવનનો ભાગ બની ગયાં છે. નગરપાલિકા આવશે તો રોજની આવા પ્રકારની ફરિયાદનો અંત આવશે તેવું લોકોનું માનવું સાર્થક થશે કે કેમ તે તો સમય જ કહેશે. સુધરાઇની પ્રથમ વખત ચૂંટણી થઇ રહી છે અને સાત વોર્ડના અઠયાવીસ સભ્યો ચૂંટણી જંગ જીતીને સુધરાઇનાં શાસનનો હિસ્સો બનશે. આમ આ ચૂંટણી ઇતિહાસ રચવા જઇ?રહી છે. મુંદરા અને બારોઇની અત્યાર સુધી થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઇવીએમ મશીનમાં માત્ર એક વખત બટન દબાવીને મતદાન થઇ ગયુંનો સંતોષ માનનારા એક દિવસના રાજા એવા મતદારોએ આ ચૂંટણીમાં પોતાની પસંદગીના કુલ 4 ઉમેદવારોના નામ-નિશાન સાથે બટન દબાવીને પોતાનો મત આપવાનો છે અને આ જ નવો અનુભવ છે. શિક્ષિત મતદાર પણ મુંઝાશે અને છેલ્લે પીળા રંગનું રજિસ્ટ્રેશન કે ઓ.કે.નું બટન નહીં દબાવે તો મતદાન થયું ગણાશે નહીં. પ્રિસાઇડીંગ ઓફિસરની કામગીરી વધશે અને મતદાન પણ ધીમું રહેશે. મતદાનના દિવસે આ પરિસ્થિતિ નિર્માણ?થશેનો ખ્યાલ રાજકીય પક્ષના આગેવાનોને છે, તેથી ડોર ટુ ડોરમાં નાનાં ડુપ્લીકેટ ઇવીએમ મશીન સાથે રાખીને સમજાવવામાં આવે છે કે, 4 મત કેમ આપવાના છે. 28 બેઠક અને 74 હરીફ વર્તમાન નગરપાલિકાની ચૂંટણીમાં 7 વોર્ડની 28 બેઠકો ઉપર 74 ઉમેદવારો મેદાનમાં છે. અપક્ષ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતની ગણતરીને ઊંધી ચત્તી કરવા ડોર ટુ ડોર ફરી રહ્યા છે. ભાજપ પાસે કાર્યકરોની ફોજ અને પાના પ્રમુખ સહિતનું પ્લાનિંગ કમળ ખીલવવા સક્ષમ હોવાનો દાવો કરી રહ્યા છે, જ્યારે પંજાને સમર્પિત એની ચોક્કસ મતબેન્કને જમા ગણીને બાકી કેટલા મત જીતવા ખૂટે તેનું કોંગ્રેસના કાર્યકરો આયોજન કરી રહ્યા છે. - કોંગ્રેસને કાર્યકર ને કાવડિયાની તંગી : કોંગ્રેસના આગેવાન કાર્યકરો અને કાવડિયા (પૈસા)ની તંગી હોવાનું સ્વીકારે છે. તો બુટલેગર અને ખરડાયેલી વ્યકિતઓને પણ ટિકિટ મળી ગઇ છે તેવું ભાજપના આગેવાનો ક્ષોભ સાથે સ્વીકારે છે. પૂર્વ સરપંચ ધર્મેન્દ્ર જેસરનું પત્તું કાપીને સરળ-સીધી લડાઇને ભાજપે પેચીદી બનાવી નાખી છે. ટિકિટ ન મળી તો હવે સંગઠનમાં ક્યાંય ગોઠવાઇ જશું તેવી આશાએ કેટલાક કાર્યકરોનો અતિ ઉત્સાહ પણ છાનો રહેતો નથી.- ભાજપને 22 બેઠકનો આશાવાદ : ભાજપ શહેર પ્રમુખ પ્રણવભાઇ જોષી અને મહામંત્રી પ્રકાશભાઇ પાટીદાર સાથેની વિસ્તૃત વાતચીતમાં  જણાવ્યું કે, 28માંથી 22 સીટ ભાજપને મળશે. ચૂંટણી બાદ નગરપાલિકાના પ્રથમ પ્રમુખ પાર્ટી નક્કી કરશે તે બનશે. ધર્મેન્દ્રની અસર નહિવત રહેશે.  બારોઇમાં પાણી અને ગટરના કામોને  ટોપ પ્રાયોરિટી આપવામાં આવશે. ઉપરાંત પાર્કિંગ પ્લોટ...દબાણવાળા રોડ-રસ્તાને ખુલ્લા મૂકશું. રખડતા જાનવરોનો પ્રશ્ન અને નવી શાકમાર્કેટ બાયપાસ રોડ કાઢી એસ.ટી. પાસેના ટ્રાફિકના પ્રશ્નને હળવો કરવો-મુંદરામાં ગટરનું કામ તથા સોસાયટી વિસ્તારના સાર્વજનિક પ્લોટ ઉપર નાના બગીચાનું નિર્માણ વગેરે કામો કરવાનું ભાજપના એજન્ડામાં છે. શ્રી જોષી અને શ્રી પાટીદારે ચૂંટણી જીતવા કરેલા પ્લાનિંગની વાત કરતાં જણાવે છે કે, ટિકિટ કોને આપવી એ મોવડી મંડળે નક્કી કર્યું છે. બાઇક રેલી અને જાહેરસભાના આયોજનથી કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જ ભાજપને જીત અપાવશે.- કોંગ્રેસ 18 બેઠક ધારે છે : જ્યારે કોંગ્રેસના શહેર પ્રમુખ કપિલભાઇ કેસરિયા 28માંથી 18 સીટ મળશેનો દાવો કરે છે. તેમણે બારોઇ વિસ્તારમાં બાંધકામ મંજૂરી અને નામ ટ્રાન્સફરની પ્રક્રિયામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. તો જેસર હાર-જીત માટે મહત્ત્વનું પરિબળ બની રહેશે તેવું આ કસાયેલા કાર્યકરે જણાવ્યું હતું. મુંદરાની 15 કરોડની ગટર યોજના નિષ્ફળ ગઇ અને ભાજપના સત્તાધીશોએ કાંઇ ન કર્યું. ડાક બંગલાથી હરિબાગ સુધીનો બાયપાસ રોડ, ગટર-પાણીની અલગ યોજના સમ્પ બનાવીને લોકોપયોગી કરવી, ઓશવાળ ફળિયાની સતત ઉભરાતી ગટર યોજનાનો પ્રશ્ન, વરસાદી પાણીના નિકાલ માટેનું પ્લાનિંગ કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો કરશે. જ્યારે બારોઇ ગ્રા.પં.ના પૂર્વ સરપંચના પતિ મુકેશભાઇ ગોરનું કહેવું છે 16 બેઠક સાથે પ્રથમ સુધરાઇમાં કોંગ્રેસ સત્તા ઉપર આવશે. તેમણે નિખાલસતા સાથે જણાવ્યું કે, અમારે શૂન્યમાંથી સર્જન કરવાનું છે. તેમના પત્ની રંજનબેન ગોરના 2012થી 2017 દરમ્યાનની કામગીરીનું ભાથું લઇ અમે મતદારો સમક્ષ જઇએ છીએ. ભાજપે અસામાજિકોને ટિકિટ આપી હોવાનો આક્ષેપ કરતાં ઉમેર્યું કે, ભાજપના તાયફામાં અમે માનતા નથી. બારોઇ વિસ્તારમાં ઉત્તર ગુજરાતીઓના 2280 મત છે તે `પંજા'ને મળશે. બારોઇમાં સરકારી જમીનો વેચી મારવામાં આવી છેનું ઉદાહરણ સાથે સમજાવ્યું હતું. 80થી 90 કરોડ રૂા. હોય તો બારોઇની પાણી યોજના પૂર્ણ કરી શકાય તેવો મત પણ દર્શાવ્યો હતો. લઘુમતી સમાજના અગ્રણી અને ચૂંટણીના નાડપારખુ હાજી સલીમ જત 18 બેઠક મળશેનો દાવો કરે છે. કોંગ્રેસે ટિકિટ શિક્ષિત મહિલાઓને આપી છે. લોકો ભાજપના તાયફાથી ત્રસ્ત બની ગયા છે. ત્રીજો મોરચો કોંગ્રેસને ફાયદો કરાવશે તેવા આશાવાદ સાથે શ્રી જતે જણાવ્યું કે, જેમણે વિકાસના કામો કરી ભાજપને નગરમાં પ્રથમ વખત લીડ અપાવી એને ટિકિટ ન આપી અને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે તે આ વાત મુંદરાની જનતાને મોટો મેસેજ આપી ગઇ?છે. જ્યારે ટિકિટ?ન મળવાથી અપક્ષ ઉમેદવારી કરનાર ધર્મેન્દ્ર જેસરે જણાવ્યું કે, દરેકનો વ્યક્તિગત સંપર્ક સાધ્યો છે. સાડાત્રણ વર્ષની કામગીરીને લઇને મત માગીએ છીએ. ભાજપ કહે છે તેનો લોકોમાં બહુ વિરોધ હતો... તો સરપંચ તરીકે મને જીત કેમ મળી ? - મીઠું પેયજળ પ્રાથમિકતા : નગરના ઇતિહાસમાં ભાજપને પ્રથમ વખત લીડ મારા કાર્યકાળ દરમ્યાન મળી હતી. જ્યારે ચૂંટણીના સ્થાનિક ઇન્ચાર્જ કિશોરસિંહ પરમાર 22 સીટ મળશે તેવું દાવા સાથે જણાવ્યું હતું કે, વ્યક્તિલક્ષી રાજકારણ ચૂંટણીમાં અસર ન કરે. ભાજપના આ શિક્ષણપ્રેમી આગેવાને મહત્ત્વપૂર્ણ વાત કરતાં જણાવ્યું કે, બારોઇ વિસ્તારની 117થી 127 સોસાયટીને મીઠું પાણી મળે એ અમારી ટોજની પ્રાથમિકતા રહેશે. રાજ્ય અને કેન્દ્ર સરકાર વાસ્મો તથા નગરપાલિકાના સંયુક્ત પ્રયાસોથી વર્ષોથી સતાવતી પીવાના મીઠા પાણીની યોજનાને સૌ પ્રથમ હાથ ઉપર લેશું. છેવટે પી.પી.પી. મોડેલથી બારોઇની પાણી યોજનાને પરિણામ સુધી લઇ જવાની વાત શ્રી પરમારે કરી હતી. ઔદ્યોગિકરણના પગલે પેટિયું રળવા આવેલા પરપ્રાંતીય શ્રમિકોની સાથે ખાનગી કંપનીઓમાં કાર્યરત અધિકારી વર્ગથી મુંદરા અને બારોઇનો સોસાયટી વિસ્તાર જાણીતો છે. મિની ભારતના દર્શન બારોઇના દૂર દૂર સુધી ફેલાયેલા સોસાયટી વિસ્તારમાં જોવા મળે છે. મુંદરા અને બારોઇમાં અંદાજે 14થી 16 રાજ્યોના લોકો રહે છે. બારોઇમાં ઘરોઘર નળના બદલે ઘરોઘર બોરથી પાણીની જરૂરિયાત પૂરી થાય છે. 70થી 90 હજારનો બોરનો ખર્ચો મકાન બનાવતાં પહેલા કરવાનો થાય છે. મીઠા પાણીની વ્યવસ્થા આજ સુધી નથી થઇ શકે. તેમ ચોમાસાની ઋતુમાં સોસાયટીના કાચા રસ્તાઓમાં વરસાદી પાણી દિવસો સુધી ભરાયેલું પડયું રહે... તે કોહવાય અને મચ્છરોના ઉપદ્રવને કારણે સોસાયટીના રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે. - બાંધકામના નિયમોની ઐસીતૈસી : બાંધકામના નિયમોની ઐસીતૈસી કરી રહેણાકના વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃત્તિનો ધમધમાટ... જાહેર હેતુ માટેના પ્લોટ ઉપરનું અતિક્રમણ અને સોસાયટીના રસ્તાઓની સળંગતાને અવરોધતા દબાણોએ એવી અવ્યવસ્થા ઊભી કરી છે કે પ્રથમ વખત બનવા જઇ રહેલી સુધરાઇ સામે વિકરાળ પ્રશ્ન બની રહેશે. ગ્રામ પંચાયત અને એક સમયની બરો મ્યુનિસિપાલિટીમાંથી મુંદરા-બારોઇ નગરપાલિકાનો દરજ્જો આમ જોવા જઇએ તો એક ઐતિહાસિક-માઇલ સ્ટોન સમાન બદલાવ છે. અન્ય મુદ્દો એ પણ નોંધવા જેવો છે કે આસપાસ અનેક ખાનગી કંપનીઓ કાર્યરત છે, પણ તેમના સામાજિક ઉત્તરદાયિત્વ ફંડનો ઉપયોગ જનહિતના કાર્યો માટે ખાસ થયો નથી. બંને ગ્રામ પંચાયતોએ પોતાની ગ્રામ પંચાયતની કક્ષા ગુમાવી છે, પણ માનસિકતા બદલતાં સમય લાગશે. તેમ અપવાદોને બાદ કરતાં મુંદરા મોટેભાગે કોંગ્રેસ સાથે રહ્યું છે. ભલે વર્તમાન ચૂંટણીમાં એ વાત પ્રસ્તુત નથી. વસ્તીના માપદંડને આધારે થયેલી વોર્ડ રચનામાં સમાવિષ્ટ વિસ્તારો અને તે વોર્ડમાંથી લડતા મુખ્ય રાજકીય પક્ષોના આગેવાનોના નામ ઉપર નજર ફરાવતાં વોર્ડ નં. 5 અને 6 ચૂંટણી સંગ્રામનું પાણીપત બનશે એવું જાણવા મળે છે. ચિંતાજનક બાબત એ છે કે ચૂંટણીના પ્રચાર-પ્રસારમાં કોરોનાની માર્ગદર્શિકા સાવ કોરાણે રહી ગઇ છે. સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, ભીડ ન કરવી સહિતની રાજ્ય સરકારની માર્ગદર્શિકાના લીરેલીરા ઊડી ગયા છે. મતદાન ઉપર પણ તેની અસર પડશે. 28 ફેબ્રુઆરી-2021થી મુંદરા-બારોઇ નગરપાલિકા પોતાના ઇતિહાસ લખવા જઇ રહી છે. જોવાનું એ છે કે પ્રથમ નગરપાલિકાના પ્રથમ પ્રમુખ બનવાનું સદ્ભાગ્ય કોના લલાટે લખાયું છ  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer