ભુજની પરિણીતાનો આપઘાત ખૂનનો મામલો નીકળ્યો

ભુજની પરિણીતાનો આપઘાત ખૂનનો મામલો નીકળ્યો
ભુજ, તા. 24 : શહેરમાં ગણેશનગર વિસ્તારમાં બે દિવસ પહેલા સોમવારે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેનારી બતાવાયેલી 28 વર્ષની વયની પરિણીતા હિનાબેનની રોજિંદા ગૃહકંકાશમાં તેના પતિ દિનેશ રમેશ ગુંસાઇએ ગળેટૂંપો દઇને હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવતા અકસ્માત મોતનો આ કિસ્સો ખૂનમાં પલ્ટાયો હતો. પોલીસે વિધિવત ગુનો નોંધી આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. ગત સોમવારે સવારે પ્રકાશમાં આવેલાં આ પ્રકરણમાં મરનાર હિનાબેનનો મૃતદેહ તેના પતિ દિનેશ ગુંસાઇએ હોસ્પિટલે પહોંચાડયા બાદ એવું જાહેર કર્યું હતું કે તેની પત્નીએ ફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. પણ પ્રારંભથી જ સ્થિતિ અને સંજોગો જોતાં શંકાના વમળો ઉદભવ્યા બાદ મૃતદેહ પેનલ પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલાયો હતો. જયાંથી મૃતકને ગળેટૂંપો આપી તેની હત્યા કરાઇ હોવાનો તબીબી અહેવાલ આવતા અને મરનારના માવિત્ર પક્ષે પણ આપેલી વિગતોના આધારે મામલો હત્યા હોવાનું ખૂલ્યું હતું.  પોલીસ સાધનોએ આપેલી આ અંગેની વિગતો મુજબ મરનાર હિનાબેનના પિતા માંડવી રહેતા ગાવિંદપુરી ગોસ્વામીએ જમાઇ દિનેશ સામે ખૂનનો ગુનો વિધિવત દાખલ કરાવ્યો હતો. તપાસનીશ ઇન્સ્પેકટર પી.એમ. ચૌધરીએ ઝડપી પગલા લેવા સાથે તહોમતદાર દિનેશની ધરપકડ પણ કરી લીધી  હતી.  કેસની ફરિયાદમાં લખાવાયા અનુસાર મરનાર હિનાબેન અને દિનેશે દાયકા પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. બન્ને એક જ સમાજના હોવાથી બાદમાં બન્નેના પરિવારે પણ આ સબંધ સ્વીકારી લીધો હતો. આ લગ્નજીવન દરમ્યાન આ દંપતિને ત્યાં એક પુત્રીનો જન્મ પણ થયેલો છે જે અત્યારે આઠેક વર્ષની છે. દરમ્યાન દિનેશ રખડયા કરતો હતો અને નાનીમોટી ઘરેલુ વાતોમાં હિનાબેન સાથે ઝઘડા કર્યા કરતો હતો. છેલ્લા ઘણા સમયના આ ત્રાસ દરમ્યાન હિનાબેનને પિયરે મૂકી આવવા સહિતના કિસ્સા પણ બન્યા હતા અને આ જ ગૃહકંકાશની પરાકાષ્ઠા સ્વરૂપે ગળેટૂંપો આપી પતિએ પત્નીની હત્યા કરી નાખી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. ઘટનાને છુપાવવા માટે આરોપી દ્વારા આત્મહત્યા કરાયાનું ઉપજાવી કઢાયું હોવાની વિગતો પણ પ્રાથમિક છાનબીનમાં સપાટીએ આવી છે. તેવું પોલીસે ઉમેર્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer