કુદરત સામે ગંભીર પડકારો; પર્યાવરણપ્રેમીઓની જાગૃતતા જરૂરી

કુદરત સામે ગંભીર પડકારો; પર્યાવરણપ્રેમીઓની જાગૃતતા જરૂરી
ભુજ, તા. 24 : ઔદ્યોગિકીકરણના રાહે દોડી રહેલા કચ્છમાં કુદરત સામે ગંભીર પડકારો ઊભા થઇ રહ્યા છે ત્યારે પર્યાવરણપ્રેમીઓની સજાગતા, તેમની ભૂમિકાનું વિશેષ મહત્ત્વ છે. તેમની જાગૃતિને જનસમર્થન મળે અને સાથે તંત્ર કે સુધરાઇ જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું સમર્થન મળે તો જાગૃતિ સફળ થાય છે એમ આજે વોક-વે ખાતે આયોજિત વૃક્ષારોપણ અને અભિવાદન કાર્યક્રમમાં સૂર વ્યક્ત થયો હતો. ભુજના કચ્છ જે કારાયલ જો કેકારવ, પેલીકન નેચરલ ક્લબ, મલ્હાર કેમ્પિંગ, ગીતા ફાર્મા તથા સહજીવનના સંયુક્ત ઉપક્રમે ભુજના વહીવટદાર તરીકે સારી કામગીરી બજાવનાર નીતિનભાઇ બોડાત અને સામાજિક કાર્યકર સુરેન્દ્રસિંહ જાડેજાનું વિશેષ અભિવાદન કચ્છના પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પુષ્પદાનભાઇએ જણાવ્યું હતું કે, ભુજ નગરના કુદરતી સૌંદર્યની ચિંતા કરનારા વહીવટદાર મળ્યા એ આનંદની વાત છે. વૃક્ષારોપણના મહત્ત્વ સાથે કોનો કાર્પ્સ નામના ગાંડા બાવળ જેવા નકામા વૃક્ષો કચ્છમાં નહીં વાવવા ચેતવણીભર્યા સૂર સાથે લાલબત્તી બતાવી હતી. સંતોએ આશીર્વચન આપી ઉપસ્થિતો, 11 જેટલી પર્યાવરણીય સંસ્થા ઉપરાંત માનવજ્યોતના શંભુભાઇ જોશી, સહજીવનના પંકજભાઇ જોશી, પેલીકન નેચરલ ક્લબના જયસિંહ પરમાર, શાંતિલાલ વરૂ, ગીતા ફાર્માના ગીતાબેન અને સ્વ. ચંદ્રકાંતભાઇની યાદમાં તેમના પત્ની પુષ્પાબેન સોનીએ વૃક્ષારોપણ કર્યું હતું. આ અવસરે કોરોનાકાળમાં કપરી ફરજ બજાવનાર આરોગ્ય કર્મચારી વૈશાલી ડાભી, ધ્રુવભાઇ, ભરતભાઇ, કમલેશભાઇ, અતુલભાઇ, શિવદતભાઇની આરોગ્ય સેવાને બિરદાવાઇ હતી. પોળોના જંગલોમાં પર્યાવરણીય સેવા કરનાર સંસ્થાના મેહુલ રાઠોડની ટીમ કાર્યક્રમમાં જોડાઇ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકાના હેડ ક્લાર્ક જયંતભાઇ લિંબાચિયા, સ્ટોરકીપર દક્ષેશ ભટ્ટ, મેલેરિયા ઇન્સ્પેક્ટર / બાગ-બગીચા હેડ રાજેશભાઇ જેઠી, લીગલ શાખાના હેડ બિપિનભાઇ ઠક્કર,બગીચામાં કાર્યકર્તા સુલેમાનભાઇ,માલીઓએ જહેમત ઉઠાવી હતી. સંચાલન શિવશંકરભાઇ નાકરે,આભારવિધિ કિશોરભાઇ શેખાએ કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer