કાંટા વગરના થોરની વાવણી લાભકારક

ભુજ, તા. 24 : મૂળ ઈઝરાયેલનો કાંટા વગરનો થોર કચ્છ જેવા સૂકા પ્રદેશ માટે ચારાના શ્રેષ્ઠ સહાયક ઉપરાંત પર્યાવરણની રીતે પણ ઉપયોગી હોવાની સાથે મનુષ્યો અને પશુઓ બંને માટે લાભકારક છે ત્યારે જિલ્લામાં અન્યત્ર પણ આ બિનપરંપરાગત પાકની વાવણી થાય તે જરૂરી હોવાનો મત `કાઝરી'ના વિજ્ઞાનીઓએ તાલુકાના ચકાર ગામે ખેતરમાં યોજેલા માર્ગદર્શન કાર્યક્રમમાં વ્યક્ત કર્યો હતો. કિસાન ફિલ્ડ ડેના આ કાર્યક્રમમાં ચકારના 45 મહિલા કિસાનો સહિત કુલ 102 ખેડૂતો જોડાયા હતા. કેન્દ્રીય શુષ્ક વિસ્તાર અનુસંધાન કેન્દ્ર (કાઝરી)ના આ પ્રોજેક્ટના પ્રિન્સિપાલ ઈન્વેસ્ટીગેટર ડો. અરુણકુમાર નોએરામે ઉપસ્થિત કિસાનોને કાંટા વગરના થોરની ઉપયોગિતાઓ વર્ણવીને શા માટે કચ્છમાં આ બિનપરંપરાગત પાકની વાવણી વધવી જોઈએ એ સમજાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કુકમા નજીક આવેલી કાઝરી સમયાંતરે ખેડૂતોને વિવિધ ખેતરોમાં લઈ જઈને પ્રત્યક્ષ માર્ગદર્શન માટે `િફલ્ડ ડે' કાર્યક્રમોનું આયોજન કરે છે. સચિન પટેલે પશુઆધારિત ખેતીના ક્ષેત્રમાં કાંટાવગરના થોરની વર્તમાન જરૂરત વર્ણવી હતી. કાઝરી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કેવિકે)ના વડા ડો. મનીષ કાનાવતે કાઝરીની ખેડૂતલક્ષી સેવાઓ જણાવી ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. આ પ્રસંગે ખેડૂતોને વીડિયો-શો દર્શાવવામાં આવ્યો હતો તથા ખેતરમાં કાંટા વગરના થોરનું પ્રત્યક્ષ નિદર્શન અપાયા બાદ તેમના સવાલોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.