ગાંધીધામમાં ત્રણ દ્વિચક્રી અને એક કારને કરાઇ આગચંપી

ગાંધીધામ, તા. 24 : શહેરની મુખ્ય બજાર નજીક ટીસીએક્સ નોર્થ વિસ્તારમાં એક શખ્સે ત્રણ દ્વિચક્રીય અને એક કારમાં આગચંપી કરતાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે મોડે સુધી કોઇ ગુનો નોંધ્યો નહોતો. આ અંગે મળતી વિગતો મુજબ શહેરના ઝંડાચોક પાસે ટીસીએક્સ નોર્થ વિસ્તારમાં રહેતા અશોકભાઇ શર્મા નામના વેપારીએ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ કરી હતી. થોડા દિવસ અગાઉ તેમના મકાન નીચે આવેલી દુકાનમાંથી ચોરી થઇ હતી, જે અંગે સીસીટીવી કેમેરાની તપાસ કરાતાં તેમાં મુરલી ભાટિયા નામનો શખ્સ જણાઇ આવ્યો હતો. જે-તે સમયે ચોરી અંગે પણ લેખિતમાં ફરિયાદ કરાઇ હતી, પરંતુ પોલીસે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. દરમ્યાન ગઇકાલે મોડી રાત્રે આ વેપારી સાથે બીજો એક બનાવ બન્યો હતો. તેમણે પોતાના ઘરની સામે ત્રણ દ્વિચક્રીય વાહનો અને એક કારપાર્ક કરી રાખી હતી. આ વાહનો સળગાવા લાગતાં પાડોશીઓએ આ વેપારીને જગાડયો હતો. સળગતાં આ વાહનો ઉપરપાણીનો મારો ચલાવાયો હતો, પરંતુ પળવારમાં ત્રણ દ્વિચક્રીય વાહનો સળગીને રાખ થઇ ગયા હતા,જ્યારે કાર અડધી સળગી ગઇ હતી. આ અંગે પણ સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરાતાં તેમાં પણ મુરલી ભાટિયા નામનો શખ્સ જણાઇ આવ્યો હતો. આગના આ બનાવ અંગે પણ લેખિતમાં રજૂઆત કરાઇ હતી, પરંતુ મોડેક સુધી આ બનાવ અંગે પોલીસનો ચોપડો કોરો રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં આ શખ્સનો ઠંડા બિયરની બૂમો પાડી કોઇ પીણું વેચતો હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.