નીમવૃક્ષને ટૂંકા રાખવામાં ઝાડીનું નિકંદન નીકળી રહ્યું છે

નીમવૃક્ષને ટૂંકા રાખવામાં ઝાડીનું નિકંદન નીકળી રહ્યું છે
વસંત પટેલ દ્વારા-   કેરા (તા. ભુજ), તા. 24 : વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ...મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીની સહજીવનની સચોટ વાત કરતી આ સંવેદનામાં જીવતો વર્ગ કડવો સ્વાદ ધરાવતા અને ગુણોમાં મધમીઠા લીમડાની ડાળીઓ પર  દર વર્ષે ચલાવવામાં આવતા કુહાડાથી વ્યથિત છે. દર વર્ષે વસંત ઋતુના આગમન પહેલાં મહા મહિનામાં નીમતરુ કપાય છે અને  હવે તો એક રીત પડી ગઇ છે. આ પદ્ધતિ સામે એક નારાજગી પણ ઊભી થઇ રહી છે.  વૃક્ષોનો આકાર અણઘડ થઇ ગયો છે અને છાંયો દેવા લાયક પણ રહ્યા નથી. રસ્તે ચાલતાં કે મુસાફરી કરતાં આપણે બધાયે જોયું હશે કે ઘરઆંગણાના ચોક, સીમ ખેતરના શેઢે ઠૂંઠા લીમડા ડાળખી કપાયેલી હાલતમાં ઊભા છે અને કપાતાં કપાતાં વર્ષો પછી `બોંસાઇ' (વૃક્ષની પ્રતિકૃતિ) જેવા બની જાય છે. વિશાળ ધરા પર ફેલાયેલા વટવૃક્ષસમા લીમડાની ઘટાટોપ ઘેઘૂર છાયા ધરાવતી કોઇ જૂની જગ્યા ઉપર પહોંચીએ ત્યારે નીમતરુની વિશાળતા અને બાહુબલી અદાના દર્શન થાય છે. બાકી તો  આપણી નવી પેઢીએ આ ટૂકાં માપના લીમડા  જોઇ-જોઇ ધારી લીધું છે કે લીમડો આવો અને આટલો જ હોય !! કડવા લીમડાના ગુણ ન હોય કડવા...વૈજ્ઞાનિકો પણ કહે છે ખેતર, વાડીના શેઢે આકડો અને લીમડો કૃષિને ફાયદો કરે છે. પોષણ અને આહાર કડીને સંતુલિત કરે છે. ખેતીની જીવાતોને  નિયંત્રિત કરતા પંખીડાઓનો આધાર છે આવાં વૃક્ષ, લીમડાનાં પાંદડાં અને આકડાની હવા પણ કૃષિપોષક છે. ન જાણે શું...ધરતીપુત્રો પણ પોતાના હાથે ઉછેરેલા લીમડાને દર વર્ષે કપાવે છે અને હવે તો આ રીત થઇ ગઇ છે. દર  મહા માસમાં બકરીઓ ધરાવતા માલધારીઓ સામેથી પહોંચી જાય છે અને  પોતે જાતે કાપીકોરીને માલને `ટારી' નીરે છે. કાપણી બારોબાર થઇ જતી હોવાથી કિસાનો સહમત થઇ જાય છે અને હવે તો નડતર ન હોય તો પણ  લીમડા કાપવા કપાવવાની ફેશન થઇ?પડી છે એ તરફ જાગૃતિનો સૂર સંભળાઇ રહ્યો છે. દંડનાત્મક નહીં પણ પ્રેમપૂર્વક જાગૃતિ પેદા કરવા જંગલખાતું જાગે, સ્વૈચ્છિક સંસ્થાઓ લીમડા ન કાપવા પ્રેરે, કથાકારો, કલાકારો વાતને વણે અને આપણાં જીવનનો અતૂટ નાતો છે એવા હિતકારી વૃક્ષને કપાતાં બચાવે, એનો ઉપયોગ સમજાવે, દાતણથી લઇ આયુર્વેદની ઉપયોગીતા સમજશું તો હિતેચ્છુને `ટૂંકો' નહીં જ કરીએ. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer