ઉદ્ઘાટન બાદ પણ સામખિયાળી આરોગ્ય કેન્દ્ર હજુ જૂના મકાનમાં જ કાર્યરત

ભચાઉ, તા. 24 : તાલુકાના સામખિયાળી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું આધુનિક મકાન બની ગયા પછી ઉદ્ઘાટન-અર્પણવિધિ થઇ ગઇ?છે પરંતુ નાના એવા બે-ત્રણ રૂમના જૂના મકાનમાં જ આરોગ્ય કેન્દ્ર ચાલી રહ્યું છે. સામખિયાળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની રિબિન કપાયા પછી નવી સાધન-સામગ્રી, સ્ટાફ હજુ આવ્યો નથી. બાઉન્ડ્રી વોલ, મુખ્ય પ્રવેશદ્વાર અને આરોગ્ય કેન્દ્રની આડેની કેબિનો પણ હજુ અકબંધ રહી છે. ખેર, આ કેબિનો અત્યારે બાઉન્ડ્રી વોલનું કામ કરી રહી છે.પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબને સામખિયાળીથી અન્ય આરોગ્ય કેન્દ્રમાં કચ્છ આખામાં ફરવું પડે છે તેથી અડધાથી વધુ સમય સામખિયાળી બહાર વિતાવવો પડે છે. જેથી આ વિસ્તારમાં દવા લેવા આવતા દર્દીઓ, સાથેના પરિવારજનો, સ્નેહીઓને હાલાકી ભોગવવી પડે છે.સિક્સ લેન રસ્તો, ઔદ્યોગિક વિસ્તાર અને તેના પગલે આકસ્મિક બનાવો, બીમારી, કૂતરું, જીવજંતુ કરડવાના બનાવોમાં ભારણ વધુ રહે તે સ્વાભાવિક છે. જિલ્લા આરોગ્ય કેન્દ્ર યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે. સ્ટાફ, આનુષંગિક સગવડો અપાય તો આલીશાન પાકું મકાન નાગરિકોની સેવામાં કામ લાગે.