લાયજા સહિતના કાંઠાળ વિસ્તારમાં સુગરીની વસાહતમાં નોંધપાત્ર વધારો

લાયજા સહિતના કાંઠાળ વિસ્તારમાં સુગરીની વસાહતમાં નોંધપાત્ર વધારો
મોટા લાયજા (તા. માંડવી), તા. 24 : કચ્છે પોતાની  સાંસ્કૃતિક વિરાસત માટે ભારત જ નહીં દુનિયામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે, ત્યારે પશુપંખીઓનું વૈવિધ્ય અને વર્તમાને પક્ષી સમૃદ્ધિમાં થયેલા નોંત્રપાત્ર વધારાએ પર્યાવરણપ્રેમીઓમાં સાનંદ આશ્ચર્ય સર્જ્યું છે. ચાલુ સાલે વધુ વરસાદને પગલે કચ્છમાં પક્ષીઓની સંખ્યા અને વૈવિધ્યની સાથે  સ્થળાંતરિત પક્ષીઓનું આવાગમન કાંઠાળપટમાં શરૂ થઇ ચૂક્યું છે. ચકલીના કદના  લીલા રંગના `બી ઇટર' છેક શ્રીલંકાથી કચ્છના મહેમાન બન્યા છે. તો કચ્છની સ્થાનિક એવી સુગરીની વસાહતમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. પોતાના ઇજનેરી કૌશલ્ય માટે બેનમૂન આ બાહોશ પક્ષીની વસાહત લાયજા-ગોધરા, લાયજા-બાડા, ભાડા-પાંચોટિયા, નાના લાયજા-ભીંસરા, બાયઠ વિસ્તારમાં ઠેર ઠેર જોવા મળી રહી છે. હમણા ઠેર ઠેર પાણી ભરાયેલા હોઇ ટાપુ જેવા ટીંબા પર આવેલા વૃક્ષ પર માળા બાંધવાનું સુગરીને  વધુ સલામત જણાયું છે. પક્ષીપ્રેમીઓમાં આનંદની લાગણી છવાઇ છે. (તસવીર-અહેવાલ : વિશ્રામ ગઢવી) 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer