કચ્છને મળશે દેશી છાસ

કચ્છને મળશે દેશી છાસ
અંજાર, તા. 24 : કચ્છ જિલ્લાના દૂધ ઉત્પાદકોની સહકારી સંસ્થા કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. `સરહદ ડેરી' દ્વારા ગ્રાહકોને દેશી છાસનો સ્વાદ મળી રહે તે હેતુથી ઇકો-છાસનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે ને બજારમાં `અમૂલ' દ્વારા અમૂલ ઇકો -છાસના નામે વેચાણ કરવામાં આવશે. ઇકો-છાસના લોન્ચિંગ વખતે અમૂલના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઇ હુંબલે જણાવ્યું હતું કે બજારમાં આજે પણ ઘણા લોકો દ્વારા દેશી સ્વાદ ધરાવતી છાસની માંગ છે જેને અનુસંધાને આ બનાવટ બજારમાં મૂકવામાં આવી છે. આ છાસમાં 0.5 ટકા ફેટ અને 5 ટકા એસએનએફ રહેશે, જેનો સ્વાદ એકદમ દેશી અને ઘરે બનાવવામાં આવેલી છાસ જેવો લાગશે. ખાસ કરીને લોકલ બજારમાં છૂટક વેચાણથી ખરીદ કરતા ગ્રાહકો માટે છે. આ છાસ બજારમાં અમૂલના પાર્લર પર ઉપલબ્ધ થશે અને 800 મિ.લી.ના પાઉચના 10 રૂપિયા અને 400 મિ.લી. પાઉચ પાંચ રૂપિયામાં મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે સરહદ ડેરી દ્વારા ગ્રાહકોને વધુને વધુ અમૂલની પ્રોડકટ રેન્જ મળી રહે તેમજ પશુપાલકોને વધુને વધુ વળતર મળી રહે તે હેતુ નીત નવીન બનાવટો બનાવી અને અમૂલના નામે વેચાણ કરવામાં આવે છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer