મુંદરા સુધરાઇમાં કોંગ્રેસને જાકારો મળશે

મુંદરા, તા. 24 : અહીં મુંદરા શહેર ભાજપ પરિવાર આયોજિત મુંદરા-બારોઇ નગરપાલિકાની પ્રમુખની ચૂંટણીને અનુલક્ષીને યોજાયેલી જાહેર સભામાં પક્ષના ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ છ મહાપાલિકાની જેમ બંદરીય નગરમાં પણ કોંગ્રેસના સુપડાં સાફ કરી હરીફોની ડિપોજિટ ડૂલ કરવાની હાકલ કરી હતી. બારોઇ રોડ, મંગલમ ગ્રાઉન્ડ ખાતે સભા યોજાઇ તે પૂર્વે પ્રારંભમાં મિરઝા કોર્નર શકિતનગરથી બાઇક રેલી યોજાઇ હતી, તે બસસ્ટેશન થઇને સભા સ્થળે પહોંચી હતી, જેમાં બહોળી સંખ્યામાં બાઇકો જોડાઇ હતી, તથા ખુલ્લી જીપમાં સાઉન્ડ સિસ્ટમ દ્વારા ભાજપને મત આપવા અપીલ કરાઇ હતી. હકડેઠઠ ભીડ વચ્ચે સભા સંબોધતાં શ્રી વાઘેલાએ તમામ ઉમેદવારો વિજયી થાય તેવો વિશ્વાસ વ્યકત કરતા સ્થાનિક ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની કામગીરી બિરદાવી હતી તથા તાલુકામાં કોઇપણ ગામ વિકાસથી વંચિત નથી રહ્યું તેવું જણાવ્યું હતું. ઔદ્યોગિક વિકાસના કારણે યુવાનોને ધંધા -રોજગાર માટે મુંબઇ, અમદાવાદ વિગેરે જગ્યાએ જવું પડતું હતું પણ અત્યારે સ્થાનિક યુવાનો ઉપરાંત અન્ય જગ્યાએથી લોકો મુંદરાની પસંદગી ઉતારે છે. વર્ષો સુધી ભાજપમાં રહીને અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે તે કાલથી જ ભાજપમાં આવી ચૂંટણી પ્રચારમાં લાગી જશે તો અમે માફ કરશું તેવું આક્રોશ સાથે જણાવ્યું હતું. તેમણે થોડા સમય પહેલાં તુલકાના ગામમાં ભગવાન રામની રથયાત્રામાં જે બનાવ બન્યો તે સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. મુંદરા-બારોઇ નગરપાલિકા ભ્રષ્ટાચારમુકત બનશે તે ભારપૂર્વક જણાવ્યું હતું તથા સર્જિકલ સ્ટ્રાઇક, વીજળી, શાંતિ સલામતી જેવા મુદ્દા આગળ ધર્યા હતા. આ ટાંકણે ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવે, શૈલેન્દ્રસિંહ જાડેજા, છાયાબેન ગઢવી, વિશ્રામભાઇ?ગઢવી, વાલજીભાઇ ટાપરિયા, જયંત માધાપરિયા, કુલદીપસિંહ જાડેજા, પ્રણવ જોષી, શક્તિસિંહ જાડેજા, વિરમ ગઢવી સહિતના અગ્રણીઓએ ભાજપની જંગી બહુમતીથી નગરપાલિકા બનશે તથા ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી. કાર્યક્રમનું સંચાલન હાર્દિક ગણાત્રા તથા ગૌરાંગ ત્રિવેદીએ કર્યું હતું. આભારદર્શન કરતાં કિશોરસિંહ પરમારે 28 સીટ જીતીને કેસરિયો લહેરાવવાનો સંકલ્પ કર્યો હતો. આ ટાંકણે ડાયાલાલ આહીર, રેવાલાલ પાટીદાર, ફકીરમામદ થેબા, રાજુ સત્યમ, ભોજરાજ ગઢવી, પ્રકાશ પાટીદાર, પ્રકાશ સત્યમ, કનૈયા ગઢવી, અરવિંદ પટેલ, સંજય ઠક્કર, અશોક મહેશ્વરી, ભુપેન મહેતા તથા ગામોના સરપંચો, વિવિધ સંસ્થાના આગેવાનો, જિલ્લાના હોદ્દેદારો, પાર્ટીના સમર્થકો, કાર્યકરો, ચૂંટણી લડતા 28 યોદ્ધાઓ ઉપસ્થિત રહ્યા હતા. 2 કલાક મોડી ચાલુ થયેલી સભામાં એક સમયે શમિયાણો નાનો પડયો હતો.