ગાંધીધામ પાલિકામાં ભાજપના વિજયને કંડારવા જોરશોરથી કરાતું પ્રચારકાર્ય

ગાંધીધામ પાલિકામાં ભાજપના વિજયને કંડારવા જોરશોરથી કરાતું પ્રચારકાર્ય
ગાંધીધામ, તા. 24 :આ પંચરંગી સંકુલમાં નગરપાલિકાની ચૂંટણી જંગના મેદાનમાં આવેલા તમામ ઉમેદવારોએ મતદારો સુધી પહોંચવા માટે રીતસરનો વ્યાયામ આદર્યો છે ત્યારે   ભારતીય જનતા પાર્ટી ગાંધીધામ દ્વારા સુધરાઈના 13 વોર્ડની તમામ બેઠકો અંકે કરવા માટે આયોજનબધ્ધ રીતે પ્રખર પ્રચાર -પ્રસાર કરી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરાયો છે. ભારતીય જનતા પાર્ટી ના તમામ ઉમેદવારોએ વિકાસના મંત્રને લઈને પોતાના મત વિસ્તારમાં  જંગી બહુમતીથી જીતાડવાની અપીલ સાથે ડોર ટુ ડોર પ્રચાર આરંભ્યો છે.પાલિકામાં વધુ એક  વખત શાસન સ્થાપિત કરવા માટે તમામ વોર્ડમાં કાર્યાલયોના ઉદઘાટન થયા હતા. તમામ કાર્યાલયોમાં ચૂંટણી  કામગીરીનો ધમધમાટ ચાલી રહયો છે. આ ઉપરાંત કમળધારી પક્ષના  કાર્યકરો દ્વારા તમામ વોર્ડમાં પેજ પ્રમુખ તથા સમિતિના કાર્ડની વહેંચણી કરવા સાથે વિભિન્ન વિસ્તારોમાં ચૂંટણી સાહિત્ય મતદારોના  ઘરોમાં  પહોંચતું કરાયું છે.મહત્તમ પ્રમાણમાં લોકો મતદાન કરે તે માટે કાર્યકરો દ્વારા પ્રત્યેક મતદારોને તેમની મતદાન પરચી પહોંચાડવાના કાર્યને વેગ અપાયો છે.જ્ઞાતિવાર  સમીકરણ કેન્દ્રમાં રાખીને પક્ષે તમામ સમાજોના આગેવાનો  સાથે  ચૂંટણીલક્ષી બેઠકો શરૂ કરી છે. તો બીજી બાજુ રાત-દિવસના પ્રચાર સાથે દરેક વોર્ડના ઉમેદવારો સાથે ચૂંટણીસમિતિ દ્વારા જરૂરી પરામર્શ કરી  નડતરરૂપ પ્રશ્નોના નિરાકરણની દિશામાં કાર્યવાહી થઈ રહી છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ નગરમાં ભાજપનુ શાસન રહયુ છે. ત્યારે વધુ  આ શાસનને યથાવત રાખવા માટે રાજય સરકાર તથા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થયેલા વિકાસના કામો તેમજ સુધરાઈ દ્વારા વિકાસના મંત્ર સાથે જીત હાંસલ કરવા એડીચોટીનુ જોર ઉમેદવારો લગાવી રહયા છે. પોલીંગ એજન્ટો તથા મતદાન ગણતરી એજન્ટોની નિમણૂકના કાર્યને પણ આખરીઓપ અપાઈ ચુકયો હોવાની વિગતો બહાર આવી હતી. નોંધપાત્ર છે કે આ  જંગમાં ભાજપે શહેર પ્રમુખ અને મહામંત્રીને મેદાનમાં ઉતારતા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જીડીએના પૂર્વ ચેરમેન,પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મધુકાન્તભાઈ શાહ,ખાદી ગ્રામ ઉદ્યોગ નિગમના ડાયરેકટર અને જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી મોમાયાભા ગઢવી,પૂર્વ સુધરાઈ પ્રમુખ સુરેશભાઈ શાહ,યુવા ભાજપ પ્રદેશ અગ્રણી કુલદીપસિંહ ઝાલા, ગાંધીધામ ભાનુશાલી મહાજનના પ્રમુખ તેમજ   શહેર ભાજપના પૂર્વ મહામંત્રી દામજીભાઈ ભાનુશાલી અને નગરપાલિકા ચૂંટણી ઈન્ચાર્જ  નારીભાઈ પરીયાણી  સહિતના આગેવાનો તમામ પ્રકારનું ચૂંટણીલક્ષી આયોજન કરી પ્રચારમાં જોડાયા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer