કાઠડાના લોકોને પગભર કરવામાં કનકશી શેઠનું પ્રદાન અદકેરું

કાઠડા (તા. માંડવી), તા. 24 : માણસના સત્કર્મો જ તેમની ઓળખ હોય છે. વિદેશમાં રહીને કચ્છ, માંડવી અને માંડવીનાં ગામડાંના નાના માણસની પણ કદર કરી અને તેનાથી અતૂટ પ્રેમ રખાય ત્યારે જરૂર લાગે કે આ વ્યક્તિ કેટલી ઉચ્ચ વિચારવાદી હશે. મસ્કતના ખીમજી રામદાસના મોવડી શેઠ કનકશી આવું જ વ્યક્તિત્વ બની રહ્યા હતા. કાઠડા ગામે શ્રદ્ધાંજલિ સભા યોજીને ગામના હિતેચ્છુને અંજલિ આપી હતી. માંડવી કે આજુબાજુના વિસ્તારમાં વર્ષો પહેલાં ધંધા-રોજગાર ન હતા, ત્યારે કાઠડામાંથી અનેક લોકો ખીમજી રામદાસ કંપની તથા મસ્કત ધંધાર્થે જોડાઇ રોજી-રોટી મેળવતા થયા અને આજે પગભર થયા, તેનો યશ આ કનકશી શેઠને આપતાં બરખાવાડી-મસ્કત મધ્યે ત્રણ દાયકા સુધી કામ કરી ચૂકેલા જીવણ લખમણ કાનાણીએ જણાવ્યું હતું કે, તેઓ દરેક વ્યક્તિ સાથે અપાર પ્રેમ રાખતા, કાઠડા સાથે પણ તેમનો અતૂટ નાતો રહ્યો છે. મેં તેમના પાસેથી નિવૃત્તિ લીધી તેને આઠ વર્ષ થઇ ગયા છતાંય દર વર્ષે નવરાત્રિમાં કચ્છ આવે તો મારા ઘરે બાજરાનો રોટલો, ઓળો, ચટણી ખાવા જરૂર આવતા. શ્રદ્ધાંજલિ સભામાં ચારણ સમાજ સમૂહલગ્ન સમિતિના પ્રમુખ ભચુભાઇ (પબુભાઇ) ગઢવી, જીવણભાઇ?કાનાણી, ગોપાલભાઇ?કારિયા, રામકૃષ્ણ કુટિરના વિરમ ભગત, પૂંજાભાઇ ગઢવી, ભોજરાજ ગઢવી જોડાયા હતા. ભાવાંજલિ સભામાં મસ્કતમાં કામ કરી ચૂકેલા બંધુઓએ સોનલ શક્તિ ગૌસેવા ટ્રસ્ટને દાન પણ?આપ્યું હતું. સરપંચ ભારૂભાઇ ગઢવીએ સદ્ગતની સ્મૃતિ પંચાયતમાં રાખવાની જાહેરાત કરી હતી. દેવાંગભાઇ વિંઝાણીએ દાતાને બિરદાવ્યા હતા.