નમો સ્ટેડિયમ પર ઇંગ્લેન્ડ નતમસ્તક

અમદાવાદ તા. 24 : વિશ્વના સૌથી મોટા અને અદ્યતન નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પર ડે-નાઇટમાં ગુલાબી દડાથી શરૂ થયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતે પ્રવાસી ઇંગ્લેન્ડની ટીમને પહેલા જ દિવસે ભીંસમાં લીધી છે. મોટેરાની નવી પીચની પ્રકૃતિ સ્પિનરને યારી આપનારી સાબિત થઇ હતી અને પહેલા જ દિવસે આ ટર્નિંગ વિકેટ પર બન્ને ટીમની મળીને 13 વિકેટ ઉખડી હતી. અક્ષર-અશ્વિનની ફિરકીથી ઇંગ્લેન્ડની ટીમ 112 રનમાં ડૂલ થઇ હતી. તો ભારતના ત્રણ  વિકેટે 99 રન થયા હતા. આથી ભારત ઇંગ્લેન્ડના સ્કોરથી હવે માત્ર 13 રન જ પાછળ છે અને સાત વિકેટ અકબંધ છે. આમ ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસથી ભારતે મેચ પર વર્ચસ્વ જમાવ્યું છે. ટર્નિંગ વિકેટ પર ફરી એકવાર રોહિત શર્માએ સ્ટ્રોકફૂલ બેટિંગ કરીને 82 દડામાં 9 ચોગ્ગાથી પ7 રને અણનમ રહ્યો હતો. આજે પહેલા દિવસે ઇંગ્લેન્ડની બેટિંગ નબળી રહી હતી અને ફિલ્ડીંગ પણ કંગાળ જોવા મળી હતી. ભારતની બેટિંગ વખતે આઉટની કેટલીક અપીલો નામંજૂર કરાતાં અંગ્રેજ ખેલાડીઓ ઉપહાસભર્યું હસતા દેખાયા હતા. જો કે, ટી.વી. રિપોર્ટમાં તેમની શંકા ખોટી ઠરી હતી. શુભમન ગિલ 11 રને આર્ચરનો શિકાર બન્યો હતો. જયારે ટીમ ઇન્ડિયાની વોલ ચેતેશ્વર પુજારા ઝીરોમાં સ્પિનર લિચના દડામાં એલબીડબ્લ્યૂ આઉટ થયો હતો. જયારે કપ્તાન વિરાટ કોહલી ક્રિઝ પર સેટ થયા બાદ પ8 દડામાં 3 ચોગ્ગાથી 27 રન કરીને લિચના દડામાં બોલ્ડ થયો હતો. તેના અને રોહિત વચ્ચે ત્રીજી વિકેટમાં 64 રનની ભાગીદારી થઇ હતી. એક છેડો રોહિતે સાચવી રાખીને અણનમ અર્ધસદી કરી હતી. આજની રમતના અંતે રોહિતની સાથે રહાણે 1 રને અણનમ રહ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી લિચે 2 અને આર્ચરે 1 વિકેટ લીધી હતી.આ ટેસ્ટમાં ભારતે પહેલા દાવમાં શક્ય એટલા વધુ રન કરવાની જરૂર છે. કેમ કે અતિ ટર્નિંગ વિકેટ પર ચોથો દાવ  લેવો ભારે મુશ્કેલ બનશે. ભારત પ્રથમ દાવમાં 13 રનથી જ પાછળી છે. હજુ રોહિત ઉપરાંત પંત, રહાણે, વોશિંગ્ટન સુંદર પણ બાકી છે. - ઇંગ્લેન્ડ ઇનિંગ : અગાઉ આજે મોટેરની નવી-નવેલી પિચ પર ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટનો પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય સંપૂર્ણ ખોટો સાબિત થયો હતો. અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિને ગુલાબી દડાથી ચમત્કારિક સ્પિન બોલિંગ કરીને ઇંગ્લેન્ડની ટીમને માત્ર 112 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ગુજરાતના સ્પિનર અક્ષર પટેલે તેનું શાનદાર ફોર્મ જાળવી રાખીને હોમ ગ્રાઉન્ડ પર 38 રનમાં 6 વિકેટ લીધી હતી. તો અનુભવી રવિચંદ્રન અશ્વિનના ફાળે ત્રણ વિકેટ આવી હતી. પોતાનો 100મો ટેસ્ટ રમી રહેલા ઝડપી બોલર ઇશાંત શર્માના એક વિકેટ પ્રાપ્ત થઇ હતી. ઇંગ્લેન્ડ તરફથી એકમાત્ર ઓપનિંગ બેટ્સમેન ઝેક ક્રાઉલીએ અર્ધસદી કરીને પ3 રન કર્યાં હતા. ડે-નાઇટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમ ટી ટાઇમ પછી 48.4 ઓવરમાં જ 112 રનમાં ડૂલ થઇ હતી.ભારત તરફથી અક્ષર પટેલે ફરી એકવાર શાનદાર દેખાવ કરીને 6 અને અશ્વિને 3 વિકેટ લીધી હતી. ભારત આજે તેની ઇલેવનમાં સિરાઝના સ્થાને બુમરાહ અને કુલદિપના સ્થાને વોશિંગ્ટન સુંદરને સ્થાન આપ્યું હતું. ઇંગ્લેન્ડની ટીમમા ચાર ફેરફાર થયા હતા. એન્ડરસન, આર્ચર, બેયરસ્ટો અને ક્રાઉલીનો ઇલેવનમાં સમાવેશ થયો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer