ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં સિંધુને આસાન અને સાઇનાને કઠિન ડ્રો

નવી દિલ્હી, તા.24: વર્તમાન વિશ્વ ચેમ્પિયન પીવી સિંધુને પ્રતિષ્ઠિત ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં આસાન ડ્રો મળ્યો છે જ્યારે અનુભવી શટલરસાઇના નેહવાલની કઠિન પ્રતિસ્પર્ધીઓનો સામનો કરવો પડશે. આ ટૂર્નામેન્ટ 17થી 21 માર્ચ દરમિયાન બર્મિંગહામ ખાતે રમાશે. સ્વિસ ઓપન બાદ ઓલ ઇંગ્લેન્ડ ઓપન 2021 આ વર્ષની બીજી બેડમિન્ટન ટૂર્નામેન્ટ હશે. વર્લ્ડ બેડમિન્ટન એસો. દ્વારા આજે જાહેર કરાયેલ ડ્રો અનુસાર પીવી સિંધુ પહેલા રાઉન્ડમાં મલેશિયાની ખેલાડી સોનિયા ચિયા સામે ટકરાશે. શરૂઆતી રાઉન્ડના મુકાબલા જીત્યા બાદ ક્વાર્ટર ફાઇનલમાં સિંધુની ટક્કર જાપાની ખેલાડી અકાને યામાગુચી અને સેમિ ફાઇનલમાં સ્પેનની કેરોલિના મારિન સામે થઈ શકે છે. મારિનને ટૂર્નામેન્ટમાં ટોચનો ક્રમ મળ્યો છે જ્યારે સિંધુને પાંચમો ક્રમ અપાયો છે. લંડન ઓલિમ્પિકની કાંસ્ય ચંદ્રક વિજેતા સાઇના નેહવાલ પહેલા રાઉન્ડમાં ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડ સામે ટકરાશે જ્યારે પી. કશ્યપ પહેલા રાઉન્ડમાં જ વિશ્વ નંબર વન જાપાનના કેંતો મોમોતાનો સામનો કરશે. કિદાંબી શ્રીકાંતને પહેલા રાઉન્ડમાં ઇન્ડોનેશિયાના ટોમી સુગિઆર્તોની ટક્કર લેવી પડશે. બી. સાઇ પ્રણિત ફ્રાંસના ટોમા જૂનિયર પોપોવ સામે રમશે. ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ ઓલ ઇંગ્લેન્ડ ઉપરાંત તા. 3 માર્ચથી શરૂ થઈ રહેલ સ્વિસ ઓપનમાં પણ ભાગ લેવાના છે. આ બે ટૂર્નામેન્ટ થકી ભારતીય ખેલાડીઓ પાસે ઓલિમ્પિક ક્વોટા હાંસલ કરવાની તક રહેશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer