કસ્ટોડિયલ ડેથ મામલે ભાજપ સમાજના સાથે છે અને રહેશે

ભુજ, તા. 24 : મુંદરા વિસ્તારની ચૂંટણી માટે મહત્ત્વનું પરિબળ બનેલા કસ્ટોડિયલ ડેથના મામલામાં ભારતીય જનતા પાર્ટી ગઢવી ચારણ સમાજની સાથે જ છે અને રહેશે. તેવું પક્ષના તાલુકા અધ્યક્ષ એડવોકેટ વિશ્રામભાઇ ગઢવી અને મહામંત્રી કીર્તિભાઇ ગોરે જણાવ્યું હતું. આ મુદ્દાની અસરકારકતા વિશે  પ્રશ્ન પૂછતાં ભાજપના તાલુકા સ્તરના આ બંને આગેવાનોએ  જણાવ્યું હતું કે, ભાજપે તેની પોલીસ સહિતની ઓથોરિટીઓ પાસે આ મામલામાં યોગ્ય કાર્યવાહી કરાવી છે. આ સામાજિક મુદ્દો છે અને  ગઢવી ચારણ સમાજના મહત્તમ જ્ઞાતિજનો પક્ષ સાથે જોડાયેલા છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રકરણમાં પોલીસે અત્યાર સુધી કરેલી કામગીરીને ગઢવી ચારણ સમાજે પણ આવકારવા સાથે બિરદાવી છે.  તો સમાજે પણ આ બનાવમાં પૂરી પરિપકવતા સાથે કામ લીધું છે. જેના કારણે વધુ હાનિ થતી અટવાઇ છે. જે ઉલ્લેખનીય છે.દરમ્યાન ચારણ સમાજના તા.પ્રમુખ ડોસાભાઇ સવાભાઇ બાતિયાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર પરિસ્થિતિમાં  મતદાન બહિષ્કાર કે ભાજપ વિરોધી કોઇ સૂર નથી. તેમણે સૌ મતદાન કરે તેવી અપીલ કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer