માંડવી સુધરાઇના કોંગ્રેસ ઉમેદવાર સામે પોસ્ટલ બેલેટમાં નિશાન `કમળ'' છપાતાં હોબાળો

માંડવી, તા. 24 : અહીંની નગરપાલિકા માટેની સામાન્ય ચૂંટણી અંતર્ગત વોર્ડ-3માં પોસ્ટલ બેલેટ પેપરમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી નિશાન `હાથ'ને બદલે `કમળ' છપાતાં કોંગ્રેસના ઉમેદવારે ગંભીર પ્રકારના છબરડાનો આરોપ મૂકીને ચૂંટણી અધિકારી પાસે `ધા' નાખતાં રાજકીય વર્તુળોમાં વમળો સર્જાયાં છે. જો કે ઇ.વી.એમ. ઉપર આવી કોઇ ક્ષતિ નથી. રિટર્નિંગ ઓફિસરે પ્રૂફ ચકાસણી જાતે કરી હોવાનો દાવો કરીને ઠેર ઠેર પ્રેસ દ્વારા કથિત સરતચૂકથી આવી ગડબડ થઇ હોવાનું પ્રેસ વર્તુળને ટાંકીને સ્પષ્ટતા કરતાં ઉમેર્યું કે ઇસ્યૂ થયેલાં તમામ (12) પોસ્ટલ બેલેટ પેપર્સને હસ્તગત કરીને સુધારો કરી લેવા ચક્રો ગતિમાન કરી દેવાયા છે. શહેરના ત્રીજા વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર અને ગત બોર્ડમાં વિપક્ષી નેતા રફીક શેખે પોસ્ટલ બેલેટ પેપર સામે ધરતાં કહ્યું હતું કે એ વોર્ડની પેનલમાંના કાંતિલાલ ભીમજી વેકરિયા (મતપત્રક ક્રમાંક-2) `હાથ'ના નિશાન ઉપર કોંગ્રેસ પક્ષ વતી અધિકૃત ઉમેદવાર છે.  મજકૂરનાં નામ સામે `હાથ'ને બદલે `કમળ'નું નિશાન પોસ્ટલ બેલેટે પેપર ઉપર કેવા સંજોગોમાં છપાઇ ગયું તે સો મણનો સવાલ છે. જો કે ઇ.વી.એમ. ઉપરની ઉમેદવાર યાદીમાં આવી ગફલત નથી એ ખરું, પરંતુ પોસ્ટલ બેલેટ ઉપર?ઇસ્યૂ થઇ ગયાં ત્યાં લગી આવી હકીક્ત કેમ ધ્યાન ઉપર નથી આવી તે પ્રશ્ન છે. જો કે  તેઓએ ચૂંટણી અધિકારી (આર.ઓ.) શ્રી પ્રજાપતિને ટાંકીને કહ્યું કે ત્વરિત સુધારો કરી દેવાઇ રહ્યો છે. રિટર્નિંગ ઓફિસર તરીકેનો કાર્યભાર સંભાળી રહેલા નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગૌરવ પ્રજાપતિએ પ્રતિભાવમાં જાણકારી આપી કે ઇ.વી.એમ. માટે હરીફ ઉમેદવારની યાદી જે જગ્યાએ છપાઇ તે જ સ્થળે (ભુજની પ્રેસ)થી પ્રૂફ રજૂ કરાતાં વ્યક્તિગત રીતે જાતે જ ચકાસણી તેઓએ કરી હતી. આ પછી મેન્યુઅલી વોટિંગ (પોસ્ટલ બેલેટ પેપર) માટે અલગથી છપાઇ કરતી વેળા આવી ગંભીર ક્ષતિ છાપકામ કરનારા દ્વારા થઇ છે. ટપાલના મતદાન માટે વિતરિત કરેલ બાર મતપત્રકો પરત લઇને (વન-ટુ-વન કલેકટ કરીને) સુધારેલા નવા મતપત્ર આપવામાં આવી રહ્યાં છે. શ્રી પ્રજાપતિએ ઠેકેદાર પ્રેસ દ્વારા આવી ક્ષતિનો સ્વીકાર કરાયો હોવાનું જણાવ્યું હતું. પાલિકા ચુનાવમાં એકાદ મતે હાર-જીત થવા સંભવ હોય ત્યારે આવો `છબરડો' ચર્ચાનો વિષય બન્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer