મહાનગરપાલિકામાં ભાજપની જીતનો કચ્છમાં વિજયોત્સવ

ભુજ, તા. 24 : ગુજરાતની છ એ છ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને મળેલી જીતનો વિજયોત્સવ કચ્છ ભાજપે મનાવ્યો હતો. આ ભવ્યાતિભવ્ય જીતને કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલ દ્વારા આવકારવામાં આવી હતી અને આ વિજયને કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રીઓ અનિરુદ્ધભાઇ દવે, વલ્લમજીભાઇ હુંબલ, શૈલેન્દ્રસિંહ જાડેજા સહિત સમગ્ર કચ્છ જિલ્લા ભાજપે પણ વધાવ્યો હતો. જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે આ વિજયની ખુશાલીમાં ફટાકડા ફોડી તેમજ પરસ્પર મીઠું મોઢું કરાવીને કાર્યકર્તાઓએ અભિનંદનની આપલે કરી હતી. આ અંગે કેશુભાઇએ જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાએ નરેન્દ્રભાઇ મોદીના વિકાસ મંત્રને પુન: એક વખત અપનાવ્યો છે અને ચરિતાર્થ કર્યો છે. સમગ્ર રાષ્ટ્રમાં ગુજરાત એ ભાજપનું રોલ મોડલ છે અને રાજકીય પ્રયોગશાળા છે ત્યારે મહાનગરપાલિકાઓની આ તોતિંગ જીતના પડઘા રાષ્ટ્રભરમાં પડશે એ સુનિશ્ચિત છે. આ રીતે જ આવા જ જબરદસ્ત પરિણામો ગુજરાતની શાણી પ્રજા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં પણ આપશે જ એવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી. આ વિજયોત્સવમાં ભુજ ધારાસભ્ય નિમાબેન આચાર્ય, ભુજ શહેર ભાજપ પ્રમુખ શીતલભાઇ શાહ, કચ્છ જિલ્લા યુવા મોરચા અધ્યક્ષ રાહુલભાઇ ગોર, ભુજ શહેર ભાજપ મહામંત્રી બાલક્રિષ્નભાઇ મોતા, ઉપપ્રમુખ જયદિપસિંહ જાડેજા, જીગરભાઇ શાહ, જયંતભાઇ ઠક્કર, જિલ્લા યુવા મોરચાના મયંકભાઇ રૂપારેલ, તાપસભાઇ શાહ, દિવ્યરાજસિંહ જાડેજા, પૂર્વ નગરસેવક કૌશલભાઇ મહેતા તથા ભુજ નગરપાલિકાના તમામ ઉમેદવારે ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા સહ ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer